Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરનો ઐતિહાસિક ભુજિયો કોઠો નવા રંગરૂપે તૈયાર, આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો -...

જામનગરનો ઐતિહાસિક ભુજિયો કોઠો નવા રંગરૂપે તૈયાર, આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો – VIDEO

જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો હવે તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર થઈ ગયો છે અને આજથી એટલે કે 19મી માર્ચ બપોરના 12:00 વાગ્યાથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલતી રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થતાં શહેરને એક મહત્વપૂર્ણ હેરિટેજ ભેટ મળી છે.

- Advertisement -

આ ઐતિહાસિક ઇમારતનું નિર્માણ 1839થી 1852 દરમિયાન કરવામાં આવ્યું હતું અને તે સમયગાળામાં તેનો ઉપયોગ સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે થતો હતો. એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત તરીકે ઓળખાતા ભુજિયા કોઠાને 2001ના ભૂકંપમાં નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે 25 કરોડના ખર્ચે તેનું સંરક્ષણ અને પુનઃસ્થાપન કાર્ય હાથ ધરાયું હતું.

- Advertisement -

આ કામગીરી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી. પરંપરાગત કળા અને મૂળ ઐતિહાસિક સ્વરૂપ જળવાઈ રહે તે માટે ચૂનો, ગુગળ, મુલતાની માટી, ગોખરુ, અરીઠા અને સિંદૂર જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ઇમારતને તેની પ્રાચીન ભવ્યતા આપવામાં આવી છે.

આજે ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સારી રીતે વ્યવસ્થિત સુવિધાઓ સાથે મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. નિર્ધારિત ટિકિટ દર સાથે લોકો ભુજિયો કોઠાની મુલાકાત લઈ રહ્યા છે.

- Advertisement -

આગામી ફેઝ-2માં જામનગરના ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ ખાતે આવેલ લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવાની યોજના છે. ભવિષ્યમાં આ તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત એક જ એન્ટ્રી પોઇન્ટથી શક્ય બનશે, જેના કારણે શહેરના હેરિટેજ પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળશે.

જામનગર માટે આ પ્રોજેક્ટ ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે સાથે પ્રવાસન વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular