Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરબાળ મનોજગતના 30 થી વધુ પુસ્તકોના સર્જક જામનગરના શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર મળશે

બાળ મનોજગતના 30 થી વધુ પુસ્તકોના સર્જક જામનગરના શિક્ષકને રાષ્ટ્રીય પુરસ્કાર મળશે

બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર ભોપાલ દ્વારા કિરીટ ગોસ્વામીને પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર 2025 એનાયત કરવાની જાહેરાત

બાળ-કલ્યાણ અને બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર, ભોપાલ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ ભારતીય ભાષાઓમાં બાળસાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર સર્જકોને રાષ્ટ્રીય પુરસ્કરો આપવામાં આવે છે.જે અંતર્ગત ગુજરાતી બાળસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક કિરીટ ગોસ્વામીને ‘શ્રી પન્નાલાલ શર્મા : બાળસાહિત્ય પુરસ્કાર’ ( વર્ષ 2025) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.દેશભરમાંથી જેમણે બાળસાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય અને વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એવા ચુનિંદા સર્જકોમાં કિરીટ ગોસ્વામીને સ્થાન મળ્યું છે.આ પુરસ્કાર આગામી 14 એપ્રિલના રોજ, બાળકલ્યાણ કેન્દ્રના વાર્ષિકોત્સવમાં ભોપાલ મુકામે તેઓને એનાયત કરવામાં આવશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે કવિ કિરીટ ગોસ્વામી ગુજરાતી બાળસાહિત્યની એક તેજસ્વી કલમ છે.તેમની કલમે, એક નવા યુગનો પ્રારંભ થયો એમ પણ કહી શકાય! આધુનિક બાળકોનાં તેઓ લાડકવાયા બાળસાહિત્યકાર છે.તેમનો જન્મ 4 ઑગસ્ટ 1975 ના રોજ જામનગર મુકામે થયો. જે શાળાના તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે; એ જ શાળા શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ, જામનગર ખાતે તેઓ હાલ ભાષાના અધ્યાપક છે.આધુનિક બાળકોની પસંદ-નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે બાળભોગ્ય એવા ત્રીસથી વધારે પુસ્તકો આપ્યાં છે.માત્ર પુસ્તક લખીને સંતોષ ન માનનાર આ ‘આધુનિક ગિજુભાઇ’ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળવાર્તાઓનો ગુલાલ કરવા ફરતા રહે છે.

ઉત્તમ બાળસાહિત્યના સર્જન બદલ કિરીટ ગોસ્વામીને આ અગાઉ પણ અઢળક ઇનામ-એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂકેલ છે. વર્ષ 2022 માં તેમને ’ ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!’ પુસ્તક માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.આ ઉપરાંત, રાષ્ટ્રીય બાળસાહિત્ય સંગોષ્ઠિ (રાજસ્થાન), ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય અકાદમી,અતુલ્ય ભારત, અંજુ-નરશી વગેરે જેવા અનેક સન્માનોથી તેઓ સન્માનિત થયેલ છે.

- Advertisement -

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં શોધ-છાત્રો તેઓના બાળસાહિત્ય વિશે શોધ-નિબંધ તૈયાર કરી રહ્યા છે.આમ, ગુજરાતના મુઠ્ઠી ઊંચેરા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને વધુ એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થઇ રહ્યો છે.એ આનંદ અને ગૌરવની ઘટના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular