જામનગર એસઓજી પોલીસે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે શખ્સોને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસને સોંપી આપ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ એસઓજીના રાજેશભાઇ મકવાણા, શોભરાજસિંહ જાડેજા તથા સંદીપભાઇ ચુડાસમાને બે શખ્સો નથુવડલા ગામથી સોયલ ગામના પાટીયા તરફ ચોરાઉ મોટરસાયકલ સાથે નિકળનાર હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસે બાતમીવાળા સ્થળે વોચ ગોઠવી ઇન્દર દરિયા બામણીયા તથા દિનેશ ગુમાન પસાયા નામના બે શખ્સોને હિરો સ્પેલન્ડર મોટરસાયકલ સાથે નિકળતાં મોટસાયકલના કાગળો માગતા બંને શખ્સોએ કાગળ નહીં હોવાનું જણાવી આજથી એકાદ માસ પૂર્વે મોરબી, વાવડી રોડ, માધાપરના નાકે હનુમાનજીના મંદિર પાસેથી બાઇક ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. એસઓજી પોલીસે રૂા. 50,000ની કિંમતની મોટરસાયકલ સાથે બન્ને શખ્સની અટકાયત કરી હતી.