જામનગર શહેરમાં ગઇકાલે હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો તબીબી વિદ્યાર્થીઓ સહિતના શહેરીજનો ધુળેટીના રંગે રંગાયા હતાં. ધુળેટીના પર્વમાં કોઇ અનિચ્છિનીય બનાવ ન બને અને શહેરીજનો શાંતીપૂર્ણ રીતે ધુળેટીનું પર્વ મનાવી શકે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરની ભાગોળે અનેક પાર્ટી પ્લોટો તથા હોટલોમાં પણ ધુળેટીના રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

જામનગરએ ઉત્સવપ્રેમીઓનું શહેર છે. ત્યારે શહેરમાં ગઇકાલે ધૂળેટી પર્વ ની પણ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડ્યા હતા, અને શહેરનાં માર્ગો પર રંગોત્સવની ગૂંજ જોવા મળી હતી. શેરી-ગલીઓમાં સોસાયટીઓમાં ડી.જે. સાઉન્ડનાં સથવારે પણ લોકોએ રંગોની મોજ માણી હતી. તો શહેરની આજુબાજુ આવેલ કેટલાક રીસોર્ટ – રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયિક એકમોમાં પણ ધૂળેટીને લઇને પૂલપાર્ટી સહિતનાં વિવિધ આયોજનો થયા હતાં.ખાસ કરીને યુવા વર્ગે મનભરીને રંગોત્સવ ઉજવ્યો હતો.
View this post on Instagram
જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર સવારે 10.00 વાગ્યાથી લઈને બપોરે 2,00 વાગ્યા સુધી લોકો રંગોતસ્વ મનાવતા જોવા મળી રહ્યા હતા, અને ઠેર ઠેર રંગોની છોડ ઉડી રહેલી જોવા મળી હતી.
જોકે મોટાભાગે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો હોવાથી એક પણ સ્થળે અનિચ્છનીય બનાવ કે કોઈ સંઘર્ષની ઘટના જોવા મળી ન હતી. અથવા વિના કારણે કોઈ ઉપર રંગ ઉડાવીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ પણ થયો હોય તેવું જોવા મળ્યું ન હતું, અને શહેરીજનોએ અનુસાશન પૂર્વક ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું.
શહેરની ભાગોળે અનેક હોટલ પાર્ટી પ્લોટમાં રંગારંગ કાર્યક્રમ યોજાયા
ખાસ કરીને જામનગર રાજકોટ રોડ પર અને ખંભાળિયા ધોરીમાર્ગ પર અનેક હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ માં યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં યુવાધન ઉમટી પડ્યું હતું, અને ડી.જે. ધમાલ ની મસ્તી, અને રેઇન ડાન્સ, પુલ પાર્ટી સાથેના રંગારંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો.
મેડિકલ કોલેજમાં તબિબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે પણ ધુળેટી મનાવી
જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ અને અન્ય તબીબો કે જેઓ મેડિકલ ક્વાર્ટર્સ તેમજ મેડિકલ હોસ્ટેલ વગેરેમાં વસવાટ કરે છે, તેઓએ ધૂળેટી નું પર્વ ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં મનાવ્યું હતું, અને એકબીજા પર કલર ઉડાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, ઉપરાંત પાસેજ આવેલી નર્સિંગ સ્ટાફ કોલોનીમાં વસવાટ કરતા જી.જી. હોસ્પિટલના નર્સિંગ વિભાગના તમામ નર્સિંગ સ્ટાફ વગેરેએ પણ ધૂળેટીનું પર્વ ખૂબજ ધામ ધૂમ અને ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું, અને એકબીજા પર રંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.
આયુર્વેદ યુનિવર્સિટીમાં દેશી વિદેશી તબીબી વિદ્યાર્થીઓ હોળીના રંગે રંગાયા
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દેશ-વિદેશના તબીબી વિદ્યાર્થીઓ પણ આ રંગોત્સવમાં જોડાયા હતા, અને એકબીજા પર રંગ ઉડાવીને ’રંગોત્સવ’ નો પર્વ મનાવ્યો હતો, અને આ ધુળેટીના ભારતીય પર્વમાં પોતે ઉત્સાહભેર સામેલ થયા હતા.


