જામનગર શહેરમાં જાહેર માર્ગો પર બેફામ અને જીવલેણ બાઈક સ્ટંટબાજી કરનાર તત્વો સામે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રોજ મોડી રાત્રે પંચેશ્વર ટાવરથી હવાઈ ચોક તરફ જતા મુખ્ય માર્ગ પર બાઈક ઉપર જોખમી રીતે સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાબતને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો રચી વાયરલ વીડિયોમાં દેખાતા સ્ટંટબાજોને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. વીડિયોની તપાસ તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે સ્ટંટબાજ ગેંગના સભ્યોને ઓળખી તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુવકો મોડી રાત્રે શહેરના વ્યસ્ત માર્ગ પર એકબીજા સાથે ગેંગ બનાવી બાઈક ઉપર સ્ટંટ કરી લોકોના જીવને જોખમમાં મૂકતા હતા તેમજ જાહેર શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. પોલીસે સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી કુલ 13 જેટલી મોટર સાયકલો ડીટેન કરી ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી દરમિયાન બાઈક ચલાવનાર તેમજ પાછળ બેસનાર સહિત કુલ એક ડઝનથી પણ વધુ આરોપીઓ ઝડપાયા છે, જેમાં કેટલાક કાયદાથી સંઘર્ષિત કિશોરો પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓ રિયાઝ અનવરભાઈ ગંઢાર, મોઇન રફિક સમા, નાસીર અયુબ કકલ, જાકિર હુસેન મુબારકભાઈ ગજીયા, આફતાબ અમિનભાઈ સુમરા, રિયાઝ ફીરોજભાઈ સમા, સેજાદ તલ્હારભાઈ સુઘાગુનીયા સુમરા, જાકીરહુસેન રજાકભાઈ સંઘાર, નવાજ હનીફભાઈ જામ, સમીર અલીભાઈ સંઘાર સહિત અન્ય આરોપીઓ તેમજ કાયદાથી સંઘર્ષિત કુલ પાંચ કિશોરોનો સમાવેશ થાય છે.
View this post on Instagram
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ પર સ્ટંટબાજી કરનાર તત્વોને કડક ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરનાર સામે વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા શહેરમાં શાંતિ, સલામતી અને જાહેર વ્યવસ્થા જાળવવા સતત નજર રાખવામાં આવી રહી છે.


