કોરોના, કોરોનાના દર્દીઓની સંખ્યા, વેકસીનેશનના આંકડા અને કોરોના દર્દીઓના મૃત્યુની સંખ્યા તેમજ કોરોના દર્દીઓની મોતના કારણો અંગે જામનગરથી માંડીને ગાંધીનગર સુધી લાલીયાવાડી ચાલે છે. આ અંગે અખબારો અને સમાચાર ચેનલોમાં એનક વખત જાગૃત પત્રકારત્વના દર્શન કરાવી પત્રકારોએ તંત્રોના કાન આમળ્યા છે. પરંતુ તમામ તંત્રો પોતાની ગજચાલમાં ડોલતાં ચાલે છે. જેને પરિણામે સમગ્ર રાજયની પ્રજા કોરોના સંદર્ભે તંત્રો અને સરકારને શંકા-કુશંકાઓની નજરથી જોવે છે અને લોકોને વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ રાખવાના આ અભિયાન પ્રત્યે લોકોને ભારોભાર નારાજગી છે.
તંત્રો મિડિયાને વિગતો ન આપી પ્રજાનો દ્રોહ કરે છે, પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને આ પ્રકારના આંકડાઓ છૂપાવવામાં અથવા ગેરમાર્ગે દોરતાં આંકડાઓ જાહેર કરવામાં કોર્પોરેશન અને જિલ્લાં પંચાયતોથી માંડીને સમગ્ર રાજયસરકાર પોતાના કયા એજન્ડાને પાર પાડી રહી છે? તે અંગે લોકો શંકા કરી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર અને કોરોનાની આંકડાકીય વિગતો સંભાળતા ડો.ઋજૂતા જોષી તથા જામનગરના નાયબ કમિશ્ર્નર એ.કે.વસ્તાણી કોરોના સંબંધિત આંકડાઓ જાહેર કરવામાં રહસ્યમય રીતે સંકોચ અનુભવી રહ્યા છે! તેઓને આંકડાઓ છૂપાવવાની અથવા ખોટા આંકડાઓ જાહેર કરવાની સૂચના કમિશ્નરે આપી છે કે, રાજયના આરોગ્ય મંત્રીએ ? તે મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ વહેલી તકે જાહેર થાય તે સૌ ના હિતમાં છે.