જામનગરમાં રહેતાં વેપારીએ મોજેબેરાજા ગામમાં લીધેલી લાઈમસ્ટોન ખનીજની લીઝ મંજૂર કરવા માટે ઉછીના લીધેલા 2500 રૂપિયાના બદલામાં બે શખ્સોએ લીઝમાં અડધો ભાગ અથવા તો 20 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં રહેતાં અને ખાણખનીજનો વ્યવસાય કરતા અજીતભાઇ જયસુખભાઈ પાલા નામના યુવાને કાલાવડ તાલુકાના મોજેબેરાજા ગામના રેવન્યુ સર્વે નંબર 248 પૈકી વિસ્તારમાં હે. 1,00,000 માં લાઈમસ્ટોન ખનીજની લીઝ મંજૂર કરવા મૂકી હતી જે પેટે વેપારીએ લાલપુર તાલુકાના પાંચદેવડા ગામના વસીમ હારુન મલેક પાસેથી રૂા.2500 હાથ ઉછીના લીધા હતાં. ત્યારબાદ વેપારીની લીઝ મંજૂર થતા વસીમે ફોન કરીને અજીતને તારે લીઝમાંથી અડધો ભાગ આપવો પડશે જેથી વેપારીએ અડધો ભાગ આપવાની ના પાડતા વસીમ અને સાજીદ હારુન મલેક નામના બે શખ્સોએ 20 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો લીઝ ચાલવા નહીં દઇએ અને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી તે અંગેનું લખાણ કરાવી વેપારીની સહી કરાવી લીધી હતી.
આ અંગે વેપારી દ્વારા સીટી એ ડીવીઝનમાં બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ટી ડી બુડાસણા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.