જામનગર જીલ્લામાં આવેલ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં નોવા શીપીંગના નામથી સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સામે માલનું વેંચાણ કર્યા વગર બીલીંગ પ્રવૃતી કરીને ખોટા વેંચાણ બીલો બનાવવાના આરોપ સર 2009 ની સાલમાં નોંધાયેલ ગુનાના આરોપી સંજય રાધેલાલ ગુપ્તા છેલ્લા 16 વર્ષ થી નાશતા ફરતા હોય તેમની પેરલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે ધરપકડ કરી હતી જે આરોપીની ધરપકડ બાદ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો છે.
વર્ષ-2009 ની સાલમાં વાણિજય વેરા નિરીક્ષક વાણિજય વેરા કચેરી જામનગર ધ્વારા સચાણા મુકામે આવેલ નોવા શીપીંગ થી ભાગીદારી પેઢી ચલાવતા રાધેશ્યામ ધારશીલાલ ગુપ્તા, ભાવનાબેન કિશોરભાઈ પોશીયા તથા સંજય રાધેલાલ ગુપ્તા સામે જામનગર પંચકોષી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી કે ભાવનગર ના વેપારી રાજકમલ ટ્રેડીંગ ને ત્યાં વેરા અન્વયે ની તપાસણી હાથ ધરવામાં આવેલી અને તે દરમ્યાન તપાસમાં એવું બહાર આવેલ કે નોવા શીપીંગ સચાણાને રાજકમલ ટ્રેડીંગે તા.01/06/2007 થી તા.31/07/2007 દરમ્યાન રૂા.1,90,20,879 ના માલનું વેંચાણ કર્યા વિના બીલીંગ પ્રવૃતી કરીને ખોટા વેંચાણ બીલો બનાવવામાં આવેલ હોવાના પુરાવાઓ મળી આવ્યા હતા. જે અન્વયે નોવા શીપીંગ સચાણાને ત્યાં સ્થળ તપાસ હાથ ધરતા નોવા શીપીંગ ઘ્વારા ક્રેડીટ મેળવવામાં આવી હતી. અને લાખો રૂપિયાના ખોટા બીલીંગની પ્રવૃતીમાં આરોપીઓ સામેલ હોવાનું જણાય આવતા આરોપીઓ સામે ગુજરાત મુલ્ય વર્ધીત વેરા અધિનીયમની કલમ-85(1)(જી) અન્વયે નો ઉપરોકત તમામ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુન્હા ની પોલીસ ફરીયાદ નોંધાતા આરોપીઓ પૈકી ભાવનાબેન કિશોરભાઈ પોશીયા ની ઘરપકડ કરી કાનુની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ બાકી ના બે આરોપી ઓ સંજય રાધેલાલ ગુપ્તા જામનગર છોડી ને નાશી છુટેલ હતા અને ત્યારબાદ વિદેશ ચાલ્યા ગયા હતા. છેલ્લા 16 વર્ષથી નાશતા ફરતા હતા તે દરમ્યાન તાજેતરમાં આરોપી અમદાવાદ માં રહેતા હોવાનું પોલીસ પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળતા આરોપી ની ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા અને તે દરમ્યાન ગત તા.17/02/2026 ના રોજ જામનગર મુકામે ઘરપકડ કરવામાં આવી હતી. અને ધરપકડ બાદ જામનગર પંચકોષી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ હતો અને તે દરમ્યાન આરોપીએ શહેરના ધારાશાસ્ત્રી દિનેશભાઈ વિરાણી મારફત જામીન મેળવવા અંગેની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં તમામ દલીલો ધ્યાને લઈ 16 વર્ષ થી નાશતા-ફરતા આરોપીની તપાસ કરનાર અમલદાર ધ્વારા જામીન ઉપર મુકત કરવામાં આવ્યા હતા.
આ કેસમાં જાણીતા ઉધોગપતિના પુત્ર સંજય રાધેલાલ ગુપ્તા તરફે પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી તથા જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ. સાપરીયા તેમજ ટ્રેની આસિ. દર્શનપુરી એ. ગોસ્વામી રોકાયેલ હતા.


