જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં સરકારી કોન્ટ્રાકટર પાસે પેટામાં કામ રાખીને કામ પૂરુ નહીં કરી પુરા પૈસા કઢાવવા માટે ત્રણ શખ્સોએ કોન્ટ્રાકટરને ફોન પર અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.3 માં આવેલા કોપર એનએક્ષપ્લસ માં રહેતાં પીનાકભાઇ કિરીટભાઈ મહેતા (ઉ.વ.49) નામના સરકારી કોન્ટ્રાકટર પાસેથી દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામના હરીશ કિશોર પરમાર નામના વ્યક્તિએ પેટા કોન્ટ્રાકટર રાખ્યો હતો. અને આ કામ પૂરુ કર્યુ ન હોવા છતાં કામના પૂરા પૈસા કઢાવી લેવા માટે હરીશે બે અજાણ્યા શખ્સો કે જેમણે ભીમા મોઢવાડિયા અને ભરત ઓડેદરાના નામની ઓળખ આપી કોન્ટ્રાકટર સહિતનાને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. ફોન ઉપર અપાયેલી ધમકીના બનાવમાં સરકારી કોન્ટ્રાકટરે જાણ કરતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.