મૂળ જામનગરના અને હાલ વડોદરામાં રહેતાં તબીબને સંયુકત માલિકીના મકાનના દસ્તાવેજમાં સહિ કરવા માટે તેની પત્ની તથા તેની સાથે રહેતા પુરૂષ મિત્રએ ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, મૂળ જામનગરના વતની અને હાલ વડોદરામાં તબીબ તરીકે પ્રેકિટસ કરતા વિશાલભાઈ માધવદાસ પંચમતિયા (ઉ.વ.37) ની માલિકીનો જામનગરના હાથીકોલોની વિસ્તારમાં ફલેટમાં આવેલ હોય. જે ફલેટની માલિકી તબીબ વિશાલભાઈ અને તેમના પત્ની રીધ્ધીબેનની સંયુકત માલિકીની છે તે પ્રકારની રજીસ્ટર દસ્તાવેજની નોંધણી કરાવી છે. હાલમાં તબીબ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા કોર્ટ કેસ ચાલતો હોય. આ દરમિયાન ફલેટ સંયુકત માલિકીનો હોવાથી રીધ્ધીબેન અને તેના મિત્ર નયન હર્ષદ ત્રિવેદીએ ફલેટના કાગળમાં સહી કરી દેવા માટે વિશાલ પંચમતિયાને દબાણ કરી ધાક-ધમકીઓ આપી હતી અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે વિશાલભાઈ દ્વારા સિટી એ ડીવીઝનમાં તેના પત્ની અને અન્ય શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.