ભુતકાળમાં આજથી પાંચ સાત વર્ષ પહેલાં કેન્દ્ર સરકારની યોજના મુજબ જામનગર શહેરમાં વિજલાઇનોને જમીનમાં ઉતારવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં માત્ર 60કિમી.ની વિજલાઇનને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ સહિતના કેટલાંક વિસ્તારોનો સમાવેશ થાય છે. ત્યારપછી આ યોજનાની દિશામાં પાછલાં પાંચ-છ વર્ષમાં કોઇ કામગીરી થઇ નથી. કારણ કે, કેન્દ્ર સરકારે આ દિશામાં ગુજરાત સહિતના રાજયોને નવી કોઇ સુચનાઓ આપી નથી.
જામનગરની 263 કિમીની વિજલાઇનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે ઘણાં વર્ષો પહેલાં લાલબંગલા વિજકચેરીએથી આ કામગીરીનો પ્રારંભ રંગેચંગે કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછીના ત્રણ-ચાર વર્ષ દરમ્યાન તંત્રએ, 263 કિમી. પૈકી 60 કિમી.નું અંડરગ્રાઉન્ડ કેબલીંગ પૂર્ણ કરી નાંખ્યુ અને પછી આ યોજના પણ પુર્ણ થઇ ગઇ. આટલાં વર્ષોથી જામનગરની બાકીની 203 કિમી.ની વિજલાઇન હવામાં ઝૂલે છે. અને જામનગર જિલ્લો દરિયાકાંઠાનો વિસ્તાર હોય ઓવરહેડ વિજલાઇનો વિવિધ સમસ્યાઓ સર્જે છે અને પ્રમાણિક વિજગ્રાહકોને વારંવાર વિજકાપ સહન કરવો પડે છે.
‘ખબર ગુજરાત’ દ્વારા આ મુદ્ે જામનગર વિજતંત્રના વડા સી.કે.પટેલનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. હાલમાં તેઓ જામનગર ખાતે માત્ર 3 મહિનાથી આવ્યા હોય અંડરગ્રાઉન્ડ કેબલીંગ અંગે તેઓ પાસે ખાસ કશી વિગતો નથી. જોકે, તેઓએ વાતચીતમાં એ સ્વિકાર કર્યો છે કે, જામનગર વિજતંત્રએ પાંચેક વર્ષ પહેલાં અંડરગ્રાઉન્ડ કેબલીંગ અંગે રાજકોટ વિજકચેરીને દરખાસ્ત કરેલી જ છે પરંતુ રાજકોટ કોર્પોરેટ કચેરી દ્વારા હજુસુધીમાં કોઇ નવી સુચના આવી નથી. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી અંડરગ્રાઉન્ડ કેબલીંગ માટે સૌરાષ્ટ્રમાં કોઇ નવી સુચના કે, પ્રોજેકટ હાલ અસ્તિત્વ ધરાવતો નથી. તેનો અર્થ એમ થયો કે, જામનગર શહેરની બાકી વધેલી 203 કિમી.ની ઓવરહેડ વિજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે નજીકના વર્ષોમાં કશું થાય તેવું દેખાતું નથી.
અત્યંત વિશ્ર્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા પ્રમાણે અંડરગ્રાઉન્ડ કેબલીંગ માટે જામનગર વિજતંત્ર પાસે કુલ 70 કિમી. લંબાઇનો ખાસ કેબલ પડયો હતો. પરંતુ કોઇ કારણસર રાજકોટની કોર્પોરેટ કચેરી આ કેબલ જામનગરથી રાજકોટ ઉપાડી ગઇ છે. તેનો અર્થ એવો પણ થઇ શકે કે, જામનગરમાં હાલની સ્થિતિએ અંડરગ્રાઉન્ડ કેબલીંગની યોજનાનું નામું નંખાઇ ગયું છે.આ સ્થિતિમાં સામાન્ય છાંટા અને પવનના સંજોગોમાં જામનગરના પ્રમાણિક વિજગ્રાહકોએ ફરજીયાત રીતે વિજકાપ સહન કરવો પડશે.