જામનગર તાલુકાના દરેડમાં ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતી યુવતીએ તેની બીમારીથી કંટાળીને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં વાલ્કેશ્વરીનગરીમાં રહેતા વૃધ્ધે કોઇકારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના દરેડમાં ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતી મીતા અરજણ ધવળ (ઉ.વ.19) નામની યુવતીને આઠ માસથી યુરીનની તકલીફ હોવાથી સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળી જઈ બુધવારે સવારના સમયે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સાંજના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દિપક પરમાર દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં વાલ્કેશ્વરીનગરીમાં આવેલા વિનાયક એપાર્ટમેન્ટ-2 મા રહેતા ગજુભા બધુભા જાડેજા (ઉ.વ.65) નામના વૃદ્ધે બુધવારે સવારના સમયે તેના ઘરે કોઇ ઝેરી પદાર્થ પી લેતા તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આ અંગેની ચંદ્રસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો આર.એ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.