Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યવસ્થાના અભાવે 276 દર્દીઓને ઓકિસજનની જરૂર ન હોવા છતાં ઓકિસજન બેડ...

જામનગરમાં વ્યવસ્થાના અભાવે 276 દર્દીઓને ઓકિસજનની જરૂર ન હોવા છતાં ઓકિસજન બેડ પર રખાયા

વધારવામાં આવેલા 250 પૈકી 241 બેડ ભરાઇ ગયા , 9 બેડ ખાલી : ગ્રામ્ય વિસ્તાર માટે રાહતના સમાચાર નવા કેસની સંખ્યા સામે સાજા થનારની સંખ્યા વધી ગઇ

- Advertisement -

જામનગરની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટને પગલે વધારવામાં આવેલા વધુ 250 બેડ પણ ફુલ થઇ ગયા છે. સતત વધી રહેલા કોરોના કેસને પગલે હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ યથાવત રહ્યો છે. હાલમાં કુલ 1450 બેડની ક્ષમતા સામે 1441 બેડ ભરાયેલા હોવાનું સતાવાર રીતે આજે સાંજે જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલા હોસ્પિટલના દર્દીઓની સ્થિતિના આંકડામાં હાલ 9 બેડ ખાલી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં 272 દર્દીઓ એવા છે જેમને ઓકિસજનની જરૂરિયાત ન હોવા છતાં વ્યવસ્થાના અભાવે ઓકિસજન બેડ ઉપર રાખવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી સરેરાશ 300 જેટલા કોરોનાના નવા કેસ નોંધાય રહ્યા છે. જેમને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ અને મોરબીથી પણ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સારવાર માટે જામનગર આવી રહ્યા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના દર્દીઓના સતત ધસારાને કારણે જી.જી.હોસ્પિટલની સ્થિતિ નાજુક બની છે. અફડાતફડી વચ્ચે પણ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓને જરૂરી સારવાર આપવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે છતાં પણ પેશન્ટનો ફ્લો વધુ હોવાને કારણે છેલ્લા કેટલાંક દિવસથી હોસ્પિટલ ફુલ રહી છે. જી.જી.હોસ્પિટલમાં હાલ નોન-આઇસીયુ અને ઓકિસજન બેડ કુલ ક્ષમતા 1215 છે. જે સામે 1206 દર્દી દાખલ છે. જ્યારે વેન્ટિલેટર સાથેના તમામ 235 બેડ ફુલ થઇ ગયા છે. દર્દીઓની સંખ્યા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને 272 એવા દર્દીઓ પણ છે કે જેમને ઓકિસજનની જરૂરીયાત ન હોવા છતાં પણ અન્ય જગ્યાએ બેડની વ્યવસ્થા ન હોવાને કારણે ઓકિસજન બેડ પર રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં સમર્પણ સહિતની અન્ય ખાનગી હોસ્પિટલો પણ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે.

દરમિયાન જામનગર ગ્રામ્ય વિસ્તાર માટે આજે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની સંખ્યા સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી ગઇ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આજે નવા 115 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જે સામે 117 કોરોના દર્દીઓ સ્વસ્થ થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લા માટે આ રાહતરૂપ બાબત રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સતાવાર રીતે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 16 વ્યકિતઓના મૃત્યુ નિપજ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular