જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં બિરાજમાન મુળ નાયક ભગવાન પાર્શ્વનાથના 2900માં જન્મ કલ્યાણકની ઉજવણી આજે કરાઇ રહી છે. ભગવાનના જન્મ કલ્યાણક તથા દિક્ષા કલ્યાણક નિમિત્તે ત્રણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે 24 તિર્થંકરોમાંના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો 2900મો જન્મ કલ્યાણક છે. ત્યારે શહેરના એકમાત્ર મુળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલ છે. જ્યાં ભગવાનના જન્મ કલ્યાકણની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે ભક્તામર સ્તોત્ર, સ્નાત્ર પૂજા કરવામાં આવી હતી. સવારથી જ શહેરના જૈન ભાઇઓ-બહેનો, બાળકો મોટી સંખ્યામાં ભગવાનની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે આજે અઠ્ઠમ તપશ્ર્ચર્યાવાળા લોકો બીજો ઉપવાસ તથા ખિર ખાઇને ઠામ ચૌવિહારના તપસ્વીઓએ બપોરે 12 વાગ્યે આખા દિવસમાં ખિર ખાઇને એકાસણું કર્યું હતું. બપોરે 3 વાગ્યે જન્મ કલ્યાણક પૂજા ભણાવવામાં આવશે. સાંજે 6 વાગ્યા બાદ ભગવાનને આંગી કરવામાં આવશે. રાત્રીના 8:30 કલાકથી ભગવાનની ભક્તિ ભાવના શહેરના વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભણાવશે. આવતીકાલે દિક્ષા કલ્યાણક નિમિત્તે બપોરે 12 વાગ્યે ભર્યે ભાણે એકાસણું તથા સોમવારે સવારે 8:30 વાગ્યે પારણા સહિતના કાર્યક્રમો યોજાશે.