‘યે તો સંત હૈ કે ભગવાન હે, હે મગર ફિર ભી અંજાન હે, ઘરતી પે રૂપ માબાપ કા, ઉસ વિધાતા કી પહેચાન હૈ..’
ભગવાન તો સ્વર્ગમાં રહે છે, આપણે તેમને પામી શકતા નથી, પણ તેમને પ્રતિકૃતિ સ્વરૂપ માતા પિતા આપણી સાથે હોય છે. ભગવાનનું બીજું સ્વરૂપ એટલે માતા પિતા… તેમનું ઋણ આપણે ઉતારી શકતા નથી. આપણા પ્રત્યે માતા-પિતાની લાગણી અને પ્રેમ એટલા હોય છે કે આપણે તેનો પૂર્ણરૂપે બદલો વાળી શકીએ નહીં, પરંતુ માતાપિતાની કોઈ ઈચ્છા પૂરી કરીને, તેમને ખુશ કરીને કોશીશ તો કરી જ શકીએ.
જુનાગઢના જોશી પરિવારે પિતાનું ઋણ અદા કરવા “જગન્નાથ ચરિત્ર ગાથા” આયોજન કર્યું છે. આખા ગુજરાતમાં પ્રથમ વખત તા. 1-5 થી 7-5 સુધી કથાનું આયોજન કરાયું છે. ભગવાન મહાદેવની પ્રસાદી સ્વરૂપ કાશી અભ્યાસી, પૂજ્ય ડો. મહાદેવપ્રસાદ મહેતા, જેઓ સંસ્કૃત ભાષા સાથે શેર, ઉપનિષદ, ભાગવત વગેરે દિવ્ય શાસ્ત્રોના જ્ઞાતા છે, તેઓ કથાનું રસપાન કરાવશે.
આજના યુગમાં સંતાનો માતા-પિતાના ઉપકાર ભૂલીને તેમને વૃધ્ધાશ્રમમાં ઘકેલે છે, તેવા સમયમાં પિતૃરૂણ અદા કરવાનો વિચાર આવે એ જોષી પરિવાર ધન્ય છે. જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વડા પ્રો. ડો. વિશાલભાઈ જોષી, તેમના માતા ચંદ્રીકાબેન, તેમના ભાઈ હિમાંશુભાઈ અને બહેન વર્ષાબેન સહિત સમગ્ર પરિવાર દ્વારા જય જગન્નાથ ચરિત્ર ગાથાનું આયોજન કરાયું છે. તેમના પિતા રતિદાદા એટલે ગિરનારી સાધક કે જેમના રોમરોમમાં, તેમના જીવનમાં દરેક સમયે, દરેક ક્ષણે માત્ર અને માત્ર જય જગન્નાથ નો નાદ વહેતો હોય, જેમણે પોતાનુ જીવન કાળિયા ઠાકોરને અર્પણ કર્યું હોય, જેમણે ગિરનાર પર્વત પર 1957થી 1965 સુધી જગન્નાથજીની સાધના કરી હોય, એવા અધોષિત સાધક… “જય જગન્નાથ” રતિદાદાનો પ્રિય શબ્દ… અને એ શબ્દનું કથા સ્વરૂપે આયોજન કરીને જગન્નાથ ચરિત્ર ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથની મૂર્તિ અપૂર્ણ છે. તેની પાછળની કથા ખૂબ રસપ્રદ અને જ્ઞાનપ્રદ છે. આ કથામાં માનવીના અહંકાર, અહંકારની ગ્લાનિ, ભાવશકિત અને અથાગ કર્મયોગનો સુંદર બોધ છે. આપણે બઘા જાણીએ છીએ તેમ હજારો વર્ષ પહેલાં પૂરીમાં ઇન્દ્ર ધૃમ્ન નામના રાજાએ પૂરીમાં સુંદર મંદિર બનાવડાવ્યું, અને એ મંદિરમાં મુર્તિ સ્થાપવા લાકડામાંથી મૂર્તિ બનાવવા માટે આવેલા કારીગરે શરત રાખી કે મૂર્તિ બનતા એકવીસ દિવસ લાગશે, ત્યાં સુધી ગર્ભ ગૃહના બારીબારણાં બંધ રાખવા…. રાજાએ વાત સ્વીકારી, પણ તેના મનમાં શંકા જાગી, અને સાતમા દિવસે ગર્ભગૃહના દ્વાર ખોલી નાંખ્યાં… અંદર જોયું તો હાથ પગ વગરની, માત્ર માથા-મોઢા- આંખ વાળી મૂર્તિ હતી, કારીગર અદ્રશ્ય હતા.
રાજાને પસ્તાવો થયો, પ્રભુને વિનવ્યા, ત્યારે આકાશવાણી દ્વારા પ્રભુએ જણાવ્યું કે આ જ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરો.. આટલી કથા સિવાય પણ ઘણી એવી વાતો છે જે આપણે જાણતા નથી, એ માટે “જગન્નાથની ચરિત્ર ગાથા” સાંભળવી જોઈએ. આ મૂર્તિ ઉપદેશાત્મક છે, હાથ પણ વગરની મૂર્તિનો અર્થ છે કે ભગવાનને કંઈ લેવું નથી, ક્યાંય જવું નથી, માત્ર નિહાળવુ છે, આપણા જીવન કર્મને જોવું છે. ભગવાન જગન્નાથની મૂર્તિ સામે દર્શન કરવા ઊભા રહીએ ત્યારે સમજાય કે ભગવાન અહંકાર કે સત્તાથી નથી આવતાં, કર્મથી, સમર્પણથી આવે છે.. જગન્નાથજીની મૂર્તિ આપણા સૌની અપૂર્ણતાની ઝાંખી કરાવે છે. ભગવાન તો પૂર્ણ જ છે, આપણે અપૂર્ણ છીએ… આવા ભગવાનની ‘ચરિત્ર ગાથા’ ગુજરાતમાં પ્રથમ વખત યોજાતી હોય એ આપણા સૌનું સદનસીબ છે.
- રતિદાદાના જીવન કવન વિશેના ‘અર્ધ્ય’ પુસ્તકનુ વિમોચન
સાચું જીવન એ જ છે કે જેમાં લોકો વર્ષો સુધી યાદ કરે. હયાતી હોય કે ન હોય, પણ લોકોના દિલમાં જેમની યાદ અકબંધ હોય તેવી વ્યક્તિ આ સંસારમાં અમુક જ હોય છે. રતિદાદા આવા જ વ્યક્તિત્વના માલિક હતા. તેમની શિક્ષણ યાત્રા ઉપરાંત આધ્યાત્મિક યાત્રામા તેમના સંપર્કમાં આવેલા, અને તેમનું સાનિધ્ય મેળવીને જીવનમાં શાંતિનો અનુભવ કરનારા વિદ્યાર્થીઓ, સંતો, મહંતો, શિક્ષણ શાસ્ત્રીઓ, સહિત અસંખ્ય વ્યકિતઓના હ્રદયમાં તેમની યાદ તાજી છે. આવા અનેક લોકોએ રતિદાદા પ્રત્યેની પોતાની લાગણીને શબ્દ વડે વ્યક્ત કરી છે. અને આવી શબ્દરૂપી ભાવાંજલિ ને પુસ્તક રુપે તેમના પરિવારજનોએ પ્રગટ કરી છે. પૂજ્ય શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુના હસ્તે ‘અર્ધ્ય’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.