Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં નવું ઉદ્યોગનગર બનતાં હજૂ સમય લાગશે

જામનગરમાં નવું ઉદ્યોગનગર બનતાં હજૂ સમય લાગશે

દિવાળી આસપાસ નવાં ઉદ્યોગનગર (શેખપાટ-જાંબુડા)ની પ્રથમ ઇંટ મૂકાય તેવી સંભાવના

- Advertisement -

ગુજરાત ઉદ્યોગોથી ધમધમતું રાજ્ય છે, જેનાં કારણે શેરબજારોમાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યનાં ઔદ્યોગિક વાતાવરણને વધુ ગતિશીલ-વ્યાપક બનાવવાના આશય સાથે રૂપાણી સરકારે થોડાં મહિનાઓ પહેલાં રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે. જો કે, આ નવી નીતિ અંગે સરકારે હજૂ સુધી જામનગર કલેકટર કચેરી સાથે કોઇ જ પત્રવ્યવહાર કર્યો ન હોય, જામનગરના ઉદ્યોગકારો હાલ પૂરતો નવી ઔદ્યોગિક નીતિનો કોઇ ફાયદો ઉઠાવી શકે એમ નથી.

અન્ય એક સમાચાર જામનગરના ઉદ્યોગનગરો માટે આશાસ્પદ છે. જામનગર નજીક નવું ઉદ્યોગનગર (GIDC) આકાર લઇ રહ્યું છે. નવું ઉદ્યોગનગર જામનગર-રાજકોટ રોડ પર જાંબુડા-શેખપાટ પંથકમાં બની રહ્યું છે, એ માટે જામનગરની કચેરીઓમાં કાગળિયાંઓ તૈયાર થઇ રહ્યા છે.

‘ખબર ગુજરાત’ સાથેની વાતચીતમાં જીઆઇડીસીના રિજયોનલ મેનેજર ડી.એ.પાનેલીયાએ જણાવ્યું છે કે, નવા ઉદ્યોગનગર માટેની પ્રપોઝલ સરકારની સૂચના મુજબ કલેકટર કચેરીમાં સુપરત કરવામાં આવી છે. સંભવત: દિવાળી આસપાસના સમયમાં ઉદ્યોગનગરની રચનાનો પ્રારંભ થઇ જશે.

હાઇ-વે પરના આ સૂચિત ઉદ્યોગનગરની કામગીરીના સંદર્ભમાં ‘ખબર ગુજરાત’ દ્વારા ગ્રામ્ય મામલતદાર કે.કે.કરમટાનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, આ યોજના અંતર્ગત R and B વિભાગના પંચાયત પેટાવિભાગ તથા સિંચાઇ પેટાવિભાગ સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે, કારણ કે આ જમીનોમાં કૂવાઓ તથા ચેકડેમો પણ આવેલ છે. બાકીના મોટાભાગના સરકારી તંત્રો દ્વારા NOC આપી દેવામાં આવ્યા છે. DLR દ્વારા જમીનોની માપણી થઇ ચૂકી છે. આગામી એકાદ સપ્તાહમાં R and B વિભાગો મારફત પણ NOC મળી જવાની સંભાવનાઓ છે.

ગ્રામ્ય મામલતદારે વધુમાં જણાવ્યું છે કે, તમામ સરકારી વિભાગોના NOC પ્રાપ્ત થયે જમીનોનો કબજો સંભાળવાની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ જમીનોની કિંમતોનું આકલન કરી જમીનોની ખરીદી સંદર્ભે ઉદ્યોગકારોને નાણાં જમા કરાવી જવા અંગે જણાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ જે ગતિએ કામગીરી થઇ રહી છે તેના પરથી એવું સમજાઇ રહ્યું છે કે, આગામી દિવાળીના તહેવારોના સમયમાં આ નવા ઉદ્યોગનગરની પ્રથમ ઇંટ મૂકાઇ જવાની સંભાવનાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular