જામનગર તાલુકાના લાખાબાવળમાં રહેતા યુવાને પોલીસ કર્મીના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાને આપઘાત કર્યા પહેલાં વીડિયોમાં ત્રણ પોલીસકર્મી દ્વારા દારૂના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં જયરાજસિંહ બાબભા જાડેજા નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. આ પૂર્વે યુવાને વીડિયોમાં જાહેર કરેલી વિગતો મુજબ, ત્રણ પોલીસ કર્મી દ્વારા યુવાનને દેશી દારૂના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હતાં અને યુવાન પાસેથી અત્યાર સુધીમાં બે કટકે બાવન હજાર રૂપિયાની રકમ મેળવી લીધી હતી ઉપરાંત વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી યુવાનનું બાઈક આંચકી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત યુવાનને ધમકી આપવાનો બનાવ સરમત પાટીયે બન્યો હોવાનું પણ યુવાને વીડિયોમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે આ બનાવ અંગે યુવાનનું નિવેદન નોંધવા અને તપાસ કરવા તજવીજ હાથ ધરી હતી.