ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને વિજય હજારે ટ્રોફી અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ઇશાને ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યજમાન મધ્યપ્રદેશ સામે 94 બોલમાં 173 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 11 સિક્સ અને 19 ફોર મારી હતી. તેની કપ્તાની ઇનિંગ્સને કારણે ઝારખંડે 50 ઓવરમાં 422/9 નો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં મધ્યપ્રદેશની આખી ટીમ 18.4 ઓવરમાં 98 રન પર સમેટાઇ ગઈ હતી અને તેમને 324 રનના અંતરથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ઝારખંડની ટીમે ઓપનર ઉત્કર્ષ સિંહના રૂપમાં પ્રથમ વિકેટ જલ્દીથી ગુમાવી દીધી હતી, પરંતુ બીજો ઓપનર ઈશાન કંઈક અલગ જ મૂડમાં હતો. તેણે પહેલી ઓવરથી આક્રમક બેટિંગ કરવાનું શરૂ કર્યું. તેણે 40 બોલમાં ફિફ્ટી, 74 બોલમાં સદી અને 150 રન 86 બોલમાં જ પૂરા કર્યા હતા. 173 રન બનાવવા માટે તેણે માત્ર 94 બોલનો જ સામનો કરવો પડ્યો હતો. પોતાના છેલ્લા 71 રન ઈશને ફ્ક્ત 20 બોલમાં જ બનાવ્યા હતા.
ઇશાન ઉપરાંત વિરાટ સિંહ, અનુકુલ રોય અને સુમિત કુમારે પણ ફિફ્ટી ફટકારી હતી. પોતાની 173 રનની ઈનિંગ્સ દરમિયાન ઇશાને અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે.