રાજયમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોનાની બીજી લહેર અંત્યત ઘાતક સાબિત થઇ હતી. ત્યારે જામનગરમાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાડતી અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતી તસ્વીરો સામે આવી છે. જામનગર શહેરમાં સરકારના તમામ નિયમોનો ભંગ કરી વ્હોરાના હજીરો પાસે નદીના પટ્ટમાં યોજાતી ગુજરી બજાર આજે ચાલુ જોવા મળી હતી.
જામનગર સહિત રાજયભરમાં કોરોનાની ગાઇડલાઇનને પગલે અનેક નિયત્રણ લાદવામાં આવ્યા હતાં.જામનગરમાં દર રવિવારે વ્હોરાના હજીરા પાસે નદીના પટ્ટમાં ગુજરી બજાર ભરાઇ છે. હાલમાં કોરોનાને કારણે આવી બજાર કોરોના સંક્રમણનું ઘાતક સ્વરૂપ બની શકે છે. જામનગરમાં બે દિવસ પૂર્વે જ પોલીસ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી ગુજરી બજાર બંધ કરાવાઇ હતી. ત્યારે રવિવારેની ગુજરી બજાર કોની મીઠી નજર હેઠળ ચાલી રહી છે તે યક્ષ પ્રશ્ર્ન છે. જામનગરની આ બેદરકારી જામનગરમાં ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે. કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાડતી આ બજાર અંગે તંત્ર કયારે પગલા લેશે?