જામનગરમાં માસ્ક અને કોરોનાના નામે ગરીબ લોકોને લૂંટવાનું બંધ કરવા અને ગરીબ વિસ્તારોમાં લોકોને સમજાવી વિનામૂલ્યે માસ્ક આપવા પૂર્વવિરોધપક્ષના નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અસ્લમ ખિલજી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં હાલ 650થી વધુ દર્દીઓ દાખલ છે. અત્યાર સુધી 1152ના મોત થઇ ચૂકયાં છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાના ચોપડે માત્ર 21 મૃત્યુ દર્શાવવામાં આવેલ છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા અને તંત્ર અને સરકાર શું મૃત્યુના આંકડા છૂપાવવાથી કોરોના નાબુદ થઇ જશે? તેમ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. બીજીતરફ ગરીબ લોકો પાસેથી બેફામ દંડ ઉઘરાવવામાં આવે છે. સત્તાધિશો અને તંત્રો કાયદાનો દંડો ગરીબ લોકો સામે જ ઉગામે છે. ભાજપવાળા પાસેથી કેટલો દંડ વસુલ્યો ? તે આંકડા જાહેર કરે તેમ આ પત્રમાં જણાવ્યું છે.
ગરીબ લોકો રોજનું કમાઇ-રોજનું ખાવાવાળા માણસો સામે પોલીસે માસ્કના નામે ઉગાડી લૂંટ ચાલુ કરી છે. જામનગર શહેરમાં પોલીસ ટાર્ગેટ પૂરો કરવા માસ્કના નામે ગરીબ લોકો તથા ગરીબ ધંધા-વ્યવસાયધારકો ઉપર કાળો કેર વર્તાવે છે તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ રેંકડીવાળાઓને માસ્કના નામે દંડ કરે છે, ધંધો કરવા દેતાં નથી. ત્યારે આજુબાજુના મોટા-મોટા મોલમાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો નથી. ગત વર્ષ કરતાં અત્યારે મોંઘવારી 28 ટકા વધી ગઇ છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. ત્યારે માસ્ક અને કોરોનાના નામે ગરીબ લોકોને લૂંટવાનું બંધ કરવા અને ગરીબ વિસ્તારમાં લોકોને સમજાવીને વિનામૂલ્યે માસ્ક આપવા પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.