રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું તા. 7 થી તા. 14 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 9 ના રોજ દ્વારકા ખાતે પતંગ મહોત્સવનું આયોજન નિયત કરાયું છે. આ પતંગ મહોત્સવની તૈયારીની સમીક્ષા માટે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે તેમણે વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા. કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ અનુસંગીક અન્ય વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન સહિતની બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જુદા-જુદા વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.