જામનગરના પેલેસ રોડ પરના વિસ્તારમાં રહેતા બોકસાઈટના વ્યવસાયી પ્રૌઢ સાથે યુનાઈટેડ કીંગ્ડમના નોટીંગહામના શખ્સ સહિતના 14 શખ્સોએ વિશ્વાસમાં લઇ મોટા ફાયદાની લાલચ આપી 1.35 કરોડની છેતરપિંડી આચર્યાના આંતરરાષ્ટ્રીય કૌભાંડની ફરિયાદના આધારે જામનગર પોલીસે તપાસ અને છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી ? તે અંગેની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પેલેસ રોડ પર આવેલા સ્નેહદિપ એપાર્ટમેન્ટમાં રહેતાં અને બોકસાઈટનો વ્યવાસય કરતાં મનોજ ધનવંતરાય શાહ નામના પ્રૌઢ વેપારી સાથે પૂર્વ આયોજીત કાવતરુ રચી ટે્રસી મુરફી (ઉ.વ.67) (રહે. તલબોટ સ્ટ્રીટ નોટીંગહામ એનજી-1-5 જીવી યુનાઈટેડ કિંગ્ડમ) નામના વૃધ્ધ શખ્સે જામનગરના વેપારીનો મોબાઇલ નંબર મેળવી વોટસએપ પર બિઝનેસ કરવા માટે વાતચીત કરી વિશ્વાસમાં લઇ CYCLOVIC H-50 નું મીનરલ ઓઇલના વ્યવસાયમાં જંગી ફાયદો થવાનું સમજાવી અને આ મટીરીયલ નાસિકમાં આવેલી એચ બી શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાંથી મળશે. ત્યારબાદ ટ્રેસીએ વિના શર્માના 91568 92618 નંબર ઉપર સંપર્ક કરવાનું જણાવ્યા બાદ મનોજભાઈએ વાતચીત કર્યા બાદ CYCLOVIC H-50 આ મટીરીયલ મોકલી આપવાનું જણાવતા ટ્રેસીએ એસીનો ફાર્મા કયુટીકલ કંપનીના સીઈઓ ડેવિડ હીલેરીના મો.+44 75206 33525 ઉપર સંપર્ક કરાવ્યો હતો અને CYCLOVIC H-50 મટીરીયલ મંગાવ્યું હતું. ત્યારબાદ ટ્રેસીના પ્રતિનિધિના સોફિયા કેનેડી જામનગર આવી હતી.
સોફિયા 31 માર્ચ 2021ના રોજ જામનગર આવી મનોજકુમારની ઓફિસે આવી હતી અને જ્યાં તેણીએ એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાંથી આવેલું CYCLOVIC H-50 મટીરીયલનું સેમ્પલ લેવડાવી તપાસ કર્યા બાદ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બાદમાં ડેવિડ હીલેરી નામના શખ્સે મનોજકુમાર સાથે બોગસ પરચેઝ ઓર્ડર મેઇલ દ્વારા મોકલી 100 લીટર CYCLOVIC H-50 મટીરીયલ ખરીદવાનું જણાવ્યું હતું. આ મટીરીયલ ખરીદવાનો ઓર્ડર આવ્યા બાદ પ્રૌઢ મનોજકુમારે નાસિકની એસ બી શર્મા એન્ટરપ્રાઈઝમાં CYCLOVIC H-50 નો 100 લીટર મેળવવાનું જણાવતા વિના શર્માએ 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું કહ્યું હતું અને આ જ ગેંગના મુંબઇના ધારાવીમાં રહેતા એમ એચ એન્ટરપ્રાઈઝ તથા શાન્તાક્રૂઝમાં આવેલી વાયરલેસ એન્ટરપ્રાઈઝ તથા રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી મીડિયાવાલા અને દિલ્હીના શીવા એન્ટરપ્રાઈઝ તથા મુંબઇના મોંગેશ યાદવ અને કૃણાલ વર્મા તેમજ જોગેશ્ર્વરીના અજર કરીમ અને નવની નવીનશંકર શર્મા સહિતની ટોળકીએ આ મટીરીયલના વેચાણ માટે જુદા જુદા બેંક ખાતાના નંબર આપી જામનગરના પ્રૌઢ મનોજકુમાર પાસેથી રૂા.1,33,25,000 ની રકમ ખાતામાં જમા કરાવી હતી તેમજ એસ બી શર્મા એન્ટરપ્રાઈઝના વિના શર્માએ ટ્રાન્સપોટેશન પેટે જનક પટેલના ખાતામાં એક લાખ જમા કરાવવાનું કહ્યું હતું. જેથી પ્રૌઢ વેપારીએ આ રકમ પણ જમા કરાવી હતી.
બાદમાં કમ્બલે યાદવ મો.72084 52088 નામના શખ્સે પ્રૌઢને ફોન કરી કરંજલી ચેકપોસ્ટ પર તમારો માલ પકડાઇ ગયો છે અને આ માલ છોડાવવા માટે વધુ 10 લાખ રૂપિયા મોકલવાનું જણાવ્યું હતું. પ્રૌઢે દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ કોઇએ આ મટીરીયલ પરત મોકલ્યું ન હતું. અને બાદમાં પ્રૌઢ મુકેશકુમાર દ્વારા અવાર-નવાર આ આંતરરાષ્ટ્રીય ગેંગનો સંપર્ક કરતાં સંતોષકારક જવાબ ન મળતા આખરે મનોજકુમારે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે યુનાઈટેડ કીંગ્ડમના ટ્રેસી મુરફી સહિતના 14 શખ્સો વિરૂધ્ધ 1,35,75,000 ની છેતરપિંડી આચરી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરના બોકસાઈટના વ્યવસાયી સાથે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી
CYCLOVIC H-50 મીનરલમાં જંગી નફો મળશે : વિશ્વાસમાં લઇ શહેરના પ્રૌઢ વેપારી સાથે યુનાઈટેડ કિંગ્ડમના શખ્સ સહિતના 14 શખ્સો દ્વારા રૂા.1.35 કરોડની છેતરપિંડી : મુંબઇ-નાસિક-રાજસ્થાનના શખ્સોની સંડોવણી : પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય કૌભાંડ મામલે તપાસ