રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ બુધવારે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ICJએ રશિયાને યુક્રેનમાંથી તેના સૈન્ય ઓપરેશનને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે. ચુકાદો સંભળાવનારા ન્યાયાધીશોમાં એક ભારતીય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. ICJમાં ભારતીય જજ જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. જો કે, રશિયા-યુક્રેન મુદ્દે તેમનું સ્વતંત્ર પગલું એ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સત્તાવાર સ્થિતિથી અલગ છે. ભારતે UNમાં યુક્રેન-રશિયાના મુદ્દા પર મતદાન કરવાનું ટાળ્યું છે અને રાજદ્વારી વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાનો આગ્રહ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતે 15 ન્યાયાધીશોના મત પછી આ ફેંસલો સંભળાવ્યો, જેમાં 13 ન્યાયાધીશોએ રશિયાની વિરુદ્ધમાં અને 2 ન્યાયાધીશોએ રશિયાના પક્ષમાં મતદાન કર્યું હતુ. યુક્રેને 24 ફેબ્રુઆરીના રોજ રશિયાના હુમલા બાદ તેણે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો દરવાજો ખખડાવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવા અપીલ કરી હતી.
ન્યાયાધીશોએ રશિયાને એ સુનિશ્ર્ચિત કરવાનો પણ આદેશ આપ્યો હતો કે તેને સમર્થન આપનાર અન્ય દળો યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી ન કરે. જો કે આ કોર્ટનો ફેંસલો બંધનકર્તા છે, પરંતુ કોર્ટની પાસે ઓર્ડરનો અમલ કરાવવા માટે કોઈ વ્યવસ્થા નથી. ભૂતકાળમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે, જ્યારે દેશોએ ICJના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. યુએનની સંસ્થા હોવાને કારણે, સામાન્ય રીતે સભ્ય દેશો કોર્ટના નિર્ણયને સ્વીકારે છે. જો નિર્ણય સ્વીકારવામાં ન આવે તો, ICJ, સુરક્ષા પરિષદમાં સંબંધિત દેશ પર દબાણ લાવે છે. જો કે, ચીન જેવા દેશો જેમની પાસે વીટો પાવર છે તેઓ ઘણીવાર ICJના આદેશોનું પાલન કરતા નથી. રશિયા ઞગજઈનું કાયમી સભ્ય પણ છે અને તેની પાસે વીટો પાવર છે. આમ તે જોવું રહ્યું કે ICJના આ નિર્ણય પર રશિયાની શું પ્રતિક્રિયા છે?