લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રમતા દોઢ વર્ષના બાળકને પૂરઝડપે બેફીકરાઈથી આવતા બોલેરો પીક-અપ વાહને ઠોકર મારી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા બાળકનું ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામ નજીક બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતાં યુસુફ અબ્દુલભાઈ ભટ્ટી નામના ખેડૂત યુવાનનો પુત્ર અલી (ઉંમર દોઢ વર્ષ) વાળો તેના ઘર પાસે રમતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતા જીજે-01-ડીઝેડ-0718 નંબરના બોલેરો પીક-અપ વાહનના ચાલકે બાળકને હડફેટે લેતા માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા યુસુફભાઈના નિવેદનના આધારે બોલેરો ચાલક વિરુધ્ધ પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં પાયલ હોટલ પાસેથી પસાર થતા યુવાનને પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક પલાયન થઈ ગયો હતો આ બનાવ અંગે જીતેન્દ્ર રામ દ્વારા જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ આરંભી અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.