ઓગસ્ટ મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં સતત પાંચમા મહિને ઘટયો હતો અને માઈનસ 0.52 ટકા રહ્યો હતો. એપ્રિલથી જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો શૂન્યથી નીચે રહ્યો છે. જુલાઈમાં તે માઈનસ 1.36 ટકા હતો, જ્યારે ઓગસ્ટ 2022માં તે 12.48 ટકા હતો. સરકારી આંકડાઓ અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર ઓગસ્ટમાં 10.60 ટકા હતો, જે જુલાઈમાં 14.25 ટકા હતો. આ અગાઉ જાહેર થયેલાં છૂટક મોંઘવારી દરમાં પણ ઘટાડો નોંધાયો હતો. જૂલાઇના 7.44 ટકા સામે ઓગસ્ટમાં આ દર 6.83 ટકા નોંધાયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2023માં ફુગાવો શૂન્યથી નીચે રહ્યો હતો જેનું મુખ્ય કારણ ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ઘટાડો છે.ઈંધણ અને પાવર સેગમેન્ટમાં ફુગાવો ઓગસ્ટમાં માઈનસ 6.03 ટકા હતો, જે જુલાઈમાં માઈનસ 12.79 ટકા હતો. ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો ઓગસ્ટમાં માઈનસ 2.37 ટકા હતો. જુલાઈમાં તે માઈનસ 2.51 ટકા હતો.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ફુગાવાને અંકુશમાં લેવા અને અર્થતંત્રને વેગ આપવા માટે ગયા મહિને ત્રીજી વખત પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર રાખ્યો હતો. કેન્દ્રીય બેંક નાણાકીય નીતિ ઘડવા માટે છૂટક અથવા ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવાને ધ્યાનમાં લે છે. ઓગસ્ટમાં છૂટક ફુગાવો 6.83 ટકા હતો, જે જુલાઈમાં 7.44 ટકાથી ઓછો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર હેઠળ ઇંધણ અને વીજળીના ફુગાવાના દરમાં મોટો ફેરફાર થયો છે. ઑગસ્ટમાં, ઇંધણ અને પાવર ડબલ્યુપીઆઇ -6.03 ટકા હતો, જ્યારે તેના અગાઉના મહિનામાં જુલાઈમાં, તેમનો જથ્થાબંધ ફુગાવાનો દર -12.79 ટકા હતો. આ રીતે તે પ્રગતિ તરફ આગળ વધતો જણાય છે.