સફેદ રણ અને કુદરતી સમૃધ્ધિઓથી છલોછલ સૌરાષ્ટ્ર નજીકનો કચ્છ પ્રાંત આગામી સમયમાં દેશના તથા વિદેશના પ્રવાસીઓ માટે એક વિશિષ્ટ સ્થાન બની રહે તેવી સંભાવનાઓ સપાટી પર આવી છે. ભારત સરકાર કચ્છમાં દેશનો પ્રથમ જીઓપાર્ક વિકસાવવા માટેની તૈયારીઓ કરી રહી છે. આ પ્રકારની વિગતો ભૂસ્તર વિજ્ઞાનના નિષ્ણાંતોએ જાહેર કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની ધરતી વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે ઓછામાં ઓછી 200 મિલીયન વર્ષ જૂની છે. આ ધરતીના પેટાળમાં ઘણાં ભૂસ્તરિય રહસ્યો ધરબાયેલા પડયા છે. ધોળાવીરા અને ગઢશીશા સહિતના મોટાભાગના પંથકો વિશિષ્ટ ભૂસ્તરિય રચનાઓ ધરાવે છે. લખપતના કિલ્લાથી માંડીને માંડવી બીચ અને નિર વાંઢ સુધી સરકાર જીઓપાર્કના ભાગરૂપે 75 જેટલી સાઇટ કચ્છમાં વિકસાવવા ઇચ્છે છે. આ તમામ સાઇટનો સમૂહ પ્રવાસીઓને માટે આકર્ષણ બનશે.
કચ્છની યુનિ.નો ભૂસ્તરશાસ્ત્રીય વિભાગ આ દિશામાં પાછલાં 20 વર્ષોથી વિગતો એકત્ર કરી રહ્યું છે. હાલના સમયમાં યુનેસ્કો દ્વારા દુનિયાભરમાં નવા જીઓપાર્કની ઓળખ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કચ્છના આ સમગ્ર વિસ્તારનો પણ સમાવેશ થતો હોવાનું વૈજ્ઞાનિકો જણાવે છે.