Friday, January 10, 2025
Homeરાષ્ટ્રીયકોરોનાથી બચવા ભારત એલર્ટ, જીનોમ સિક્વન્સિંગનો આદેશ

કોરોનાથી બચવા ભારત એલર્ટ, જીનોમ સિક્વન્સિંગનો આદેશ

કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક : ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટના બે કેસ નોંધાયા : તમામ રાજયોને સાવચેત રહેવા અપાઇ સૂચના

- Advertisement -

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતાં ભારત સરકાર સતર્ક બની છે. કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતમાં કોરોનાની સ્થિતિ અને કોરોનાથી બચવાના ઉપાયોના સંદર્ભમાં તાકિદની બેઠક યોજી છે. આ બેઠકમાં ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવ તેમજ રાજયોના અધિકારીઓ ઉપસ્થિત રહયા છે. દરમ્યાન કેન્દ્રિય આરોગ્ય સચિવ દેશમાં તમામ રાજયોને કોરોનાના જીનોમ સિક્વન્સિંગ કરવા આદેશ આપ્યો છે અને તેના પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. દરમ્યાન ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરામાં કોરોનાના નવા વેરીએન્ટ બીએફ7ના બે નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર કોરોનાનો આ નવો વેરિએન્ટ ખૂબજ ચેપી છે. આ વેરીએન્ટથી સંક્રમિત એક વ્યકિત 10 થી 18 અન્ય વ્યકિતઓને સંક્રમિત કરી શકે છે.

- Advertisement -

ચીન અને અમેરિકામાં વધતા જતા કોરોના કેસો વચ્ચે આરોગ્ય સચિવ રાજેશ ભુષણે NCDC અને ICMRને પત્ર લખ્યો છે, જેમાં કહેવાયું છે કે, તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવું પડશે. હાલ દેશમાં કોરોના કેસો વધુ નથી, મૃત્યુઆંક પણ ઓછો થઈ ગયો છે. જોકે આ વાયરસ વિશ્વભરમાં ફરીથી પગપેસારો કરી રહ્યો છે, આવી સ્થિતિમાં સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. આ જ કારણસર સચિવ રાજેશ ભુષણ દ્વારા NCDC અને ICMRને પત્ર લખાયો છે.

આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, કોરોનાના નવા વેરિઅન્ટની સમય પહેલા ઓળખ કરવી હોય તો જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગના સેમ્પલ મોકલવાની પણ સૂચના અપાઈ છે. જો કે એક તરફ ભારત સરકાર તમામ રાજ્યોને સાવચેત રહેવા કહી રહી છે તો બીજી તરફ ન ગભરાવાની પણ સલાહ આપી રહી છે.

- Advertisement -

એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડો.એનકે અરોરાએ મંગળવારે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતે ચીનમાં ઉભી થયેલી કોવિડ પરિસ્થિતિ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે સાંભળી રહ્યા છીએ કે ચીનમાં કોવિડ ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ ભારતની વાત કરીએ તો અહીં મોટા પાયે રસીકરણ કરાયું છે. મોટાભાગના લોકોને રસી અપાઈ છે. જોકે અરોરાએ એમ પણ કહ્યું કે, અત્યાર સુધી વિશ્વમાં જેટલા પણ કોરોના વેરિઅન્ટ સામે આવ્યા છે, તે કેસો ભારતમાં મળ્યા છે. આવી સ્થિતિમાં માત્ર સાવચેત રહેવાની જરૂર છે, ચિંતા કરવાની નહીં.

‘ભારત જોડો યાત્રા’ મોકૂફ રાખવા અપીલ

- Advertisement -

વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવી જોઈએ. આ ઉપરાંત રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે હું ઈચ્છું છું કે તમે સ્વસ્થ અને સુરક્ષિત રહો. તેમણે અપીલ કરી હતી કે રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પ્રવાસમાં જોડાતા પહેલા અને પછી મુસાફરોને અલગ રાખવા જોઈએ. માંડવિયાએ આગળ લખતા કહ્યુ કે જો કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી તો જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશને કોરોના રોગચાળાથી બચાવવા માટે દેશ હિતમાં ભારત જોડો યાત્રા હાલ પુરતી મોકૂફ રાખવા વિનંતી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular