જામનગરમાં નવું એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવાનો પ્રોજેકટ શરૂ કરવા તંત્ર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેન્ડ બનાવવા તૈયારી કરી છે. તેમાં ટૂંકી જગ્યા પડવાની શકયતા હોવાનો એસટી કર્મચારીઓના યુનિયન દ્વારા જણાવાયું છે અને સુવિધા વધારવા માગણી કરાઇ છે.
જામનગર શહેરમાં વર્ષો જૂના એસટી ડેપોને તોડી નવો બનાવવા આયોજન કરાયું છે તે માટે હાલમાં પ્રદર્શન મેદાનમાં કામ ચલાઉ એસ.ટી. ડેપો કાર્યરત કરવામાં આવી રહ્યો છે. જેમાં અસુવિધા અને પેસેન્જર ટ્રાફિકમાં મુશ્કેલી થવાની દહેશત એસટી કર્મચારી યુનિયન દ્વારા દર્શાવાઈ છે. આ કામ ચલાઉ એસ ટી ડેપોમાં ઓફિસો ખૂબ નાની અને અગવડતાભર્યુ હોવાનો જણાવાયું છે. તેમજ ઓછી જગ્યાને પરિણામે ધક્કામુક્કી અને અઘટિત બનાવ બનવાની દહેશત પણ દર્શાવી છે. મુસાફરોનો ઘસારો જોતા વધુ જગ્યા જરૂરી હોય કામ ચલાઉ એસટી ડેપોમાં વધુ જગ્યા ફાળવી સુવિધા વધારવા એસ ટી કર્મચારી યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે. હાલના ચાલુ બાંધકામમાં ઉમેરો કરી પૂરતી સુવિધા સાથેનો કામ ચલાઉ બસ સ્ટેશન બને તો મુસાફરોની ફરિયાદો ઉપસ્થિત ન થાય અને કોઇ અનિચ્છનીય બનાવ પણ ન બને.