એક તરફ વિશ્વના ટોચના અમીરોની લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય અમીરોનો દેશ પરથી મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને અલવિદા કહી દીધુ છે. રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના તે 3 દેશોમાં સામેલ છે. જ્યાંથી કરોડપતિઓ સૌથી વધુ પલાયન થયા છે. આ યાદીમાં પહેલા નંબરે રશિયા, જ્યારે બીજા નંબરે ચીનનું નામ આવે છે.
ભારત સહિત અમુક દેશોના કરોડપતિ પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં વસવા માટેની પસંદગી કરી રહ્યા છે. રિપોર્ટમાં દર્શાવેલા આંકડા અનુસાર ભારતમાંથી 8,000 કરોડપતિઓએ વર્ષ 2022માં પલાયન કર્યુ છે. જ્યારે આ મામલે સૌથી આગળ રશિયામાંથી નીકળીને બીજા દેશોમાં વસનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષે 15,000 રહી છે, જ્યારે ચીનમાંથી આ સમયગાળામાં 10,000 કરોડપતિએ પલાયન કર્યુ છે.