સુરતમાંથી માતાપિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 4વર્ષની બહેને રમતા રમતા પોતાના 2વર્ષના ભાઈને એસીડ પીવડાવી દીધું છે. આ અંગે જાણ થતા બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. અને હાલ તેની હાલત સ્થિર છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ગઈ હતી. તે દરમિયાન તેણીના બંને બાળકો ઘરે એકલા હતા. અને મોટી બહેને તેના બે વર્ષીય ભાઈ પ્રિન્સને પાણી સમજીને એસીડ પીવડાવી દીધું હતું. આ અંગે પડોશીઓને જાણ થતા 108 મારફતે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને હાલ તેની તબિયત સુધારા પર છે.
આ બાળકનો કેસ હેન્ડલ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકે રમતા રમતા એસીડ પી લીધું હોવાની વાત જાણીને તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. એસીડ પીવાથી બાળકની અન્નનળી અને સ્વરપેટીમાં નુકશાન થવાની સંભાવના રહેલી છે. માતાપિતા તથા ઘરના વડીલોએ બાળકના હાથ લાગે તેવા એસીડ જેવા પદાર્થો રાખવા જોઈએ નહી.