જામનગર તાલુકાના સચાણા ગામે પૈસાની ઉઘરાણીના મામલે એક યુવાન પાસેથી રૂા.80 હજારની કિંમતનો માછલી ભરેલા કેરેટનો જથ્થો બળજબરીથી કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા સાત શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, સચાણા ગામમાં રહેતાં અને મચ્છીના વેપારી અલ્તાફભાઈ સલીમભાઈ કકકલ (ઉ.વ.30) નામના યુવાનના મોટાભાઈ પાસેથી આરોપી અહેમદ મુસા સોઢાને આશરે રૂા.90 હજાર લેવાના બાકી હોય જેની વસુલી કરવા ગત તા.2 ના રોજ યુવાન અલ્તાફભાઇ મચ્છીના બોકસ ભરીને નિકળતા સચાણા ગામ ફીશરીઝના પેટ્રોલપંપ પાસે તેને આંતરી લીધો હતો અને આરોપીઓ અહેમદ મુસા સોઢા, હસન અહેમદ સોઢા, મામદહુશેન મુસા સોઢા, નયુબ અહેમદ સોઢા, મુબારક ઈકબાલ સંઘાર, નુરમામદ ઇકબાલ સંઘાર અને ઈશાક સુલેમાન સોઢા નામના સાત શખ્સો દ્વારા અપશબ્દો બોલી ફરિયાદી યુવાનને ફડાકા મારી માર મારવાની ધમકી આપી હતી અને ગાડીના ઠાઠામાં ધરેલ મચ્છીના બોકસ અંદાજે રૂા. 80 હજારની કિંમતના બળબજબરીપૂર્વક આરોપી અહેમદના બોલેરો પીકઅપ વાહનમાં ભરીને લઇ ગયા હતાં.
આ બનાવ અંગે અલ્તાફ કકલની ફરિયાદના આધારે પોલીસે તમામ સાત આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર પંથકમાં બળજબરીથી લૂંટના વધુ એક બનાવથી ચર્ચા જાગી છે.