જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના વતની અને હાલ જામનગરમાં રહી ડ્રાઈવિંગ કરતા યુવાન ઉપર સુભાષપાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખી ચાર શખ્સોએ આંખમાં સ્પ્રે છાંટી છરી અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામનાી વતની અને જામનગરના સુભાષપાર્ક વિસ્તારમાં રહેતો ડ્રાઈવિંગ કરતો ગૌતમ મગનલાલ ચાવડા (ઉ.વ.27) નામનો યુવાનનો પિતરાઇ પ્રકાશ જામનગર આવ્યો હતો. જેને જોઇ જતા જૂના મનદુ:ખનો ખાર રાખી બિપીન સોમા ચાવડા, કરણ અનિલ જોગલ, પંકજ લાખા ડાંગર અને મુસા નામના ચાર શખ્સો રવિવારે રાત્રિના સમયે બંને યુવાનોને આંતરીને પ્રકાશ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ધમકી આપી હતી. તેમજ ગૌતમની આંખમાં સ્પ્રે છાંટી પાઈપ તથા છરી વડે હુમલો કરી બન્ને યુવાનોને મારી નાખવાની ધમકી આપી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ વી.કે. ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્ત ગૌતમના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.