જામનગર શહેરના રંગમતિ સોસાસયટીના મહિલાના ઘર પાસે કચરો નાખવાની બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતાં ત્યારબાદ મહિલા બીજે રહેવા જતાં રહેતા ઝઘડાના મનદુ:ખમાં દંપતીએ મહિલાને ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રંગમતિ સોસાયટીમાં રહેતાં ફિરદોશબેન ઈસ્માઈલ ચનાણી (ઉ.વ.26)નામના મહિલાને તેમના જૂના પાડોશી સરીફાબેન કાસમ વાઘેર સાથે કચરો નાખવાની બાબતે અગાઉ અવાર-નવાર નાના-મોટા ઝઘડાઓ થતા હતાં. દરમિયાન ફિરદોશબેન બીજે રહેવા જતાં રહયા હતાં. ત્યારે શરીફાબેન અને તેના પતિ કાસમ વાઘેર બન્નેએ એકસંપ કરી ગુરૂવારે સાંજના સમયે ઘાંચીની ખડકી પાસે ફિરદોશબહેનને આંતરીને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. હુમલાના કારણે મહિલાને માથામાં તથા ગર્દન ઉપર તથા વાંસાના ભાગે ઈજા પહોંચાડી ગાળો કાઢી આ વિસ્તારમાં ફરીથી આવશો તો પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણના આધારે હેકો જી.વી. ચાવડા તથા સ્ટાફે ફિરદોશબહેનના નિવેદનના આધારે દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.