જામનગર શહેરમાં અંબાજી ચોક વિસ્તારમાં એક વર્ષ પહેલાંની થયેલી માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને આંતરીને છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ત્રણ દરવાજા પાસે નાગનાથ ગેઈટ શેરી નં.2 માં રહેતાં ખેરાજભાઈ ચાવડા નામના યુવાનને એક વર્ષ અગાઉ નાગનાથ ગેઈટ પાસે સામુ જોવાની બાબતે અસગર મકવાણા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે ખેરાજ ચાવડાને અંબાજી ચોક વિસ્તારમાં અસગર ઉર્ફે અસુડો મહમદહુશેન મકવાણા, આફતાફ ઉર્ફે અકુડો મહમદહુશેન મકવાણા, ફિરોજ ઉર્ફે ફિરીયો મહમદહુશેન મકવાણા અને કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર નામના ચાર શખ્સોએ એકસંપ કરી અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને ધોકા તથા છરી વડે હુમલો કરી હાથમાં તથા માથાના ભાગે ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા ખેરાજભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા ડીવાયએસપી એમ.બી. સોલંકી તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


