જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 308 અને ગ્રામ્યના 208 કેસ મળી 516 કેસ નોંધાયા છે. તો 608 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 07 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડથી 53 દર્દીઓના મોત નિપજ્યા છે.
જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 308 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 319 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 208 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 289 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 355293 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 263159 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 07 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.
તેમજ ગુજરાત રાજ્યમાં ગઈકાલે સાંજના સુધી 24 કલાક દરમિયાન કુલ 10990 કોરોના પોઝિટિવ કેસ નોંધા્યા છે. જ્યારે સારી બાબત એ છે કે, પોઝિટિવ કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જેમાં 15198 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને કુલ 118 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મોત અમદાવાદ કોર્પોરેશનમાં 18, સુરત કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 7 અને વડોદરા કોર્પોરેશનમાં 10 તેમજ મહેસાણામાંથી 6ના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં 23 દિવસ બાદ 11000થી ઓછા કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લામાં 608 દર્દીઓએ કોરોનાને માત્ત આપી
24 કલાક દરમિયાન જામનગર શહેર 319 અને ગ્રામ્યમાં 289 દર્દી સાજા થયા : શહેરમાં 308 અને ગ્રામ્યમાં 208 મળી જિલ્લામાં કુલ 516 નવા દર્દી ઉમેરાયા : જામનગરમાં 7 દર્દીનું સત્તાવાર મૃત્યુ