જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જામનગરમાં ધો. 10 અને 12માં કુલ 370 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. પ્રથમ દિવસે ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો ન હતો. જામનગરમાં ધો. 10માં પ્રથમ દિવસે 15,121, ધો. 12માં કુલ 6470 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.
ગઇકાલથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ તથા અગ્રણીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રથમ દિવસે ધો. 10માં ભાષાના પેપર લેવાયા હતાં. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું પેપર લેવાયું હતું. જેમાં જામનગરમાં ધો. 10માં કુલ 15402 વિદ્યાર્થીઓમાંથી 15121 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને 281 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.
ધો. 12માં ગઇકાલે સહકાર પંચાયત, ફિઝિક્સ અને એકાઉન્ટના પેપર યોજાયા હતાં. જેમાં સહકાર પંચાયતમાં એક જ વિદ્યાર્થી હોય, તેણે પરીક્ષા આપી હતી. જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સના પેપરમાં જામનગર જિલ્લામાં 1560 વિદ્યાર્થીમાંથી 1541 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં અને 19 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધો. 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટના પેપરમાં 4998 વિદ્યાર્થીઓમાંથી 4928 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને 70 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. પ્રથમ દિવસે જામનગર જિલ્લામાં એકપણ કોપી કેસ ન નોંધાતાં તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.