જામનગર શહેર જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે ઘટી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 15 અને ગ્રામ્યના 9 કેસ મળી 24 કેસ નોંધાયા છે. તો 301 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત બિનસત્તાવાર રીતે કોવિડ થી 9 દર્દીના મોત નિપજ્યા છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ઘટતો જાય છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે જેથી સરકારી હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં એક માસથી શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો થઈ જતાં આજે માત્ર 30 થી 40 જેટલા કેસો જ પોઝિટિવ આવે છે અને કોવિડથી થતાં મૃત્યુનો આંકડો પણ ઘટી ગયો છે.
જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 15 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 276 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 9 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે બિનસતાવાર મૃત્યુનો આંક 9 નો રહ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 394243 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 292414 સેમ્પલનું પરીક્ષણ થયું છે.
જામનગર જિલ્લામાં 301 દર્દીઓ કોરોનાથી મુકત થયા
સતત ઘટતા કોરોના સંક્રમણથી તંત્રમાં રાહત : શહેરમાં 15 અને ગ્રામ્યમાં 9 મળી કુલ 24 કેસ પોઝિટિવ : બિનસત્તાવાર મૃત્યુ આંક 9