જામનગરમાં શરૂ સેકશન રોડ પાસે આવેલા સંતકબીર સાહેબનગર આવાસમાં રહેતાં એડવોકેટે મેઈન્ટેનન્સનો હિસાબ માગતા પાંચ શખ્સોએ એડવોકેટને જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ આવેલા શ્રી સંતકબીર સાહેબનગર આવાસમાં બ્લોક નં.એફ/808 માં રહેતાં એડવોકેટ કિરણકુમાર ડાયાલાલ માધડ નામના યુવાન પાસે ભાવેશ ભરખડા, તેજશ પટેલ સહિતનાએ બિલ્ડિંગના મેઈન્ટેનન્સની રકમની માંગણી કરી હતી. જેથી કિરણકુમારે બિલ્ડિંગના મેઈન્ટનન્સનો હિસાબ માંગ્યો હતો. જેથી ભાવેશ ભરખડા, તેજશ પટેલ, પ્રીતેશ ચૌહાણ, એજાઝ શેખ અને દિપક ભદ્રા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી એડવોકેટ કિરણકુમારને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવમાં કિરણકુમારે બિલ્ડિંગમાં રહેતાં પાંચ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ડીવાયએસપી વરૂણ વસાવા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.