કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવે ગુજરાતમાં ચોમાસાની મોસમનો ક્યારથી શુભારંભ થાય તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. વધુ રાહતની વાત એ છે કે, ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે 100%થી વધુ વરસાદ નોંધાય તેની પૂરી સંભાવના છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ’નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ અરેબિયન સમુદ્રમાં આગેકૂચ કરી છે અને તેમાં લક્ષદ્વિપ, દક્ષિણ કેરળ, દક્ષિણ તામિલનાડુનો સમાવેશ થાય છે. આમ, કેરળમાં 1 જૂનની ધારણને સ્થાને 3 જૂનથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં અગાઉ 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થાય તેની સંભાવના હતી. પરંતુ હવે કેરળમાં બે દિવસમાં વિલંબ બાદ ચોમાસું બેસતાં ગુજરાતને થોડા વધુ દિવસ રાહ જોવી પડશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 25 જૂનની આસપાસ વિધિવત્ ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.