દ્વારકા પંથકમાં આજથી આશરે 23 વર્ષ પૂર્વે એક પેટ્રોલ પંપમાં લૂંટ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં નાસતા ફરતા એવા મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના જાંબવા ગામના બે શખ્સોને એલસીબી પોલીસે ખંભાળિયા નજીકથી દબોચી લીધા હતા.
સમગ્ર ગુજરાત રાજ્યમાં બે દાયકાથી વધુ સમયથી ગુનો આચર્યા બાદ પોલીસની પકડથી દૂર નાસતા ફરતા આરોપીઓ સામે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી, આવા 10 ગુનેગારના નામ જાહેર થયા હતા. જેના પર સરકાર દ્વારા રૂ. 10,000 ના ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા.
દ્વારકા – ઓખા હાઈ-વે પર આવેલા વરવાળા ગામ નજીક આવેલા વી.એમ. બારાઈ પેટ્રોલ પંપમાં આજથી આશરે 23 વર્ષ પહેલાં લૂંટ થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જે-તે સમયે મધ્યપ્રદેશ રાજ્યના કલ્યાણપુરા તાબેના જાંબવા ગામે રહેતા તેરુ જીતરા ભુરીયા અને કૈલાશ પુનિયા ભુરીયા નામના બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. લૂંટ બાદ આ બંને આરોપીઓ લાંબો સમયથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
રાજ્ય સરકારના નાસતા ફરતા આરોપીઓ અંગેની યાદી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી વિભાગ દ્વારા આ અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલસીબીના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, હેડ કોન્સ્ટેબલ લખમણભાઈ પિંડારિયા તેમજ એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત બંને શખ્સોને ખંભાળિયા નજીકના દ્વારકા હાઈ-વે માર્ગ પર આવેલી પાયલ હોટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને શખ્સોની પોલીસે અટકાયત કરી, વધુ કાર્યવાહી અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.
ઉપરોક્ત આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે મળીને ભૂતકાળમાં પેટ્રોલ પંપમાં લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, વિશ્ર્વદિપસિંહ જાડેજા, ભાણવડના ભરતભાઈ ચાવડા તથા ટેકનિકલ સેલના સુનિલભાઈ કાંબરીયા દ્વારા કરવામાં આવી હતી.