ધ્રોલ ગામમાં ગરેડીયા રોડ પાસેના વિસ્તારમાં રહેતાં પતિએ યુવાન પત્નીની હત્યા નિપજાવી તેના ઘરની સામે જ ખાડો કરી દફનાવી દીધાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ દફનાવેલો મૃતદેહ બહાર કાઢી હત્યારા પતિની અટકાયત કરી વધુ પૂછપરછ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલમાં ગરેડિયા રોડ પર રહેતાં યુવાન પતિએ તેના ઘર સામે જ પત્નીની હત્યા નિપજાવી ખાડો કરી દફનાવી દીધી હતી. આ અંગેની પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને દફનાવેલો સોનલબેન ચૌહાણ નામના મહિલાનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી અને મહિલાની હત્યાના બનાવમાં જ તેણીના જ પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી પતિ મનસુખ ખાંભુ (ચૌહાણ) નામના શખ્સની અટકાયત કરી પછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં પત્નીને અન્ય કોઇ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ મહિલાના પતિને થઈ જતાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા નિપજાવ્યા બાદ તેના ઘર સામે જ ખાડો ખોદી દફનાવી દીધી હતી.
ધ્રોલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતક સોનલબેનના પતિના મોત બાદ તેણીએ તેના દિયર મનસુખ સાથે લગ્ન કર્યા હતાં અને આ લગ્ન જીવન દરમિયાન અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધની હોવાની જાણ મનસુખને થઈ જતાં તેણે પત્ની સોનલનું ગળુ દબાવી હત્યા નિપજાવી દફનાવી દઇ પૂરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પતિ મનસુખની પુછપરછ આરંભી હતી અને તેણે કયા કારણોસર અને કેવી રીતે પત્નીની હત્યા નિપજાવી તે વિગતો મેળવવા તજવીજ આરંભી હતી.


