દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિવાર તારીખ 28 મી ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી કાર્ય સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયત ઉપરાંત ખંભાળિયા અને ભાણવડ નગરપાલિકા મળી કુલ સાત સામાન્ય ચૂંટણી ઉપરાંત સલાયા નગરપાલિકામાં પેટા ચૂંટણી અંગેનું મતદાન આગામી રવિવાર તારીખ 28ના રોજ યોજાનાર છે. આ માટે પોલીસ તંત્ર દ્વારા પણ સક્રિય અને સજાગ રીતે તમામ આખરી પગલાઓ લેવામાં આવ્યા છે. જિલ્લામાં ચૂંટણી કાર્ય શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસ, એસ.આર.પી. તથા હોમગાર્ડઝનો વિશાળ કાફલો મેદાનમાં આવી ગયો છે.
32 અઘિકારીઓ, 1590 જવાનો ચૂંટણી ફરજ પર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે હાલ 650 પોલીસ કર્મચારીઓને જુદા જુદા વિસ્તારોમાં ફરજ સોંપવામાં આવી છે. જેમાં 100 તાલીમાર્થી મહિલાઓ તથા ભચાઉથી ખાસ આવેલા 11 તાલીમાર્થી રિક્રુમેન્ટના એસ.આર.પી. જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં એસ.આર.પી. ના ભચાઉના 24 તથા વાવ એસઆરપી ગ્રુપ ના 24 જવાનોનું પણ અત્રે આગમન થયું છે. જિલ્લા અમદાવાદ સિટીમાંથી 176 હોમગાર્ડના જવાનો સહિત કુલ 872 જી. આર.ડી., એસ.આર.ડી. તથા હોમગાર્ડઝના જવાનોને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજ પર મૂકવામાં આવ્યા છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સંપૂર્ણ નીગેહબાની હેઠળ ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડા, સી.સી. ખટાણા, સાથે છ પી.આઈ. અને 23 પી.એસ.આઈ. મળી કુલ 32 અધિકારીઓના સુપરવિઝન હેઠળ અન્ય 1590 પોલીસ જવાનોનો કાફલો ચૂંટણી ફરજ પર રહેશે.
પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ જરૂરી કાર્યવાહી કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં જિલ્લા પોલીસ વડા દ્વારા જુદા જુદા અધિકારીઓને ફરજ પર મૂકી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવી અને આજરોજ જિલ્લાના સુપીરીયર અધિકારીઓએ અન્ય પોલીસ કર્મચારીઓ તથા જવાનોનો રોલકોલ લીધો હતો. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા દિવસો દરમિયાન અવિરત રીતે પેટ્રોલિંગ ઉપરાંત ગ્રુપ ફ્લેગ માર્ચ અને સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પકડ વધુ મજબૂત બની રહે તે માટે ડી.વાય.એસ.પી. દ્વારા તેમની હેઠળના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ફરજ વહેંચણી કરી અને આ અધિકારીઓ- કર્મચારીઓ તટસ્થ રીતે જાગૃતિ સાથે ચૂંટણી ફરજ નિભાવે તે માટેની તાકીદ કરી હતી.
મતદાન અંગે પોલીસ દ્વારા જરૂરી પગલા લેવાયા
જિલ્લાની સાત સામાન્ય ચૂંટણીમાં આશરે સાડા ચાર લાખ મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને હાલ કોરોનાની મહામારીમાં ફરજ પરના જવાનોને કોવીડને લગતી સામગ્રી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત મતદારોને સહાયભૂત થવા, પોતપોતાના વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે જરૂરી વ્યવસ્થા જાળવવા, મતદાતાઓને જાનમાલની નુકસાની ન થાય તથા મતદાન સમયે અવ્યવસ્થા ન સર્જાય તે માટેની તાકીદ સાથે મતદાન સ્થળના 100 મીટરમાં મતદાર સિવાયની કોઈ વ્યક્તિ પ્રવેશે નહીં, 200 મીટર સુધીમાં વાહનની પ્રવેશબંધી, તથા મતદાન વિસ્તારમાં મોબાઈલ સહિતની અન્ય સાધન સામગ્રી રાખવા પર પ્રતિબંધ અંગેનો કડક અમલ કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય વિસ્તારોમાંથી આવેલા પોલીસના જવાનો માટે રહેવા તથા જમવા સહિતની પાયાની સુવિધાઓ પ્રાપ્ય બને તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
દ્વારકામાં ડી.વાય.એસ.પી. દ્વારા ત્રણ પોલિસ મથકમાં જરુરી બંદોબસ્ત
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે પણ ચૂંટણી ઉપરાંત આવતીકાલે શનિવારે પૂનમ હોય, પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. મહત્ત્વના એવા દ્વારકા ઉપરાંત ઓખા તથા મીઠાપુર પોલીસ મથક માટે અહીં ડીવાયએસપી સમીર સારડા દ્વારા અન્ય પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને જરૂરી ફરજની વહેંચણી કરી અને આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટેની રણનીતિ ઘડવામાં આવી છે.
ખંભાળિયા તાલુકામાં 500 પોલીસ ચૂંટણી ફરજ પર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા કે જેમાં સૌથી વધુ મતદારો તથા મતદાન મથકો આવેલા છે, ત્યાં ચૂંટણી કાર્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રીતે જળવાઈ રહે તે માટે ડી. વાય. એસ.પી. હીરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તાલુકામાં કુલ બે પી.આઈ., સાત પી.એસ.આઈ. તથા જી.આર.ડી. અને એસ.આર.પી.ના જવાનો મળી 500 જેટલો પોલીસ સ્ટાફ ખડે પગે રહ્યો છે. ખંભાળિયાના પી.આઇ. વી.વી. વાગડિયા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આમ, આગામી રવિવારે જિલ્લામાં શાંતિપૂર્ણ અને મહત્તમ મતદાન થાય સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.