લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા મહાજન યુવકે અગમ્યકારણોસર તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા પટેલ યુવાને તાવ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા અને ખેતી કરતા અમૃતલાલ કેશવજી શાહ નામના પ્રૌઢનો પુત્ર પ્રિતમ અમૃતલાલ શાહ (ઉ.વ.21) નામના યુવકે ગત શનિવારે સાંજના સમયે અગમ્યકારણોસર તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા અર્ધબેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં સોમવારે સાંજે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા અમૃતલાલ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.
બીજો બનાવ, ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં રહેતા અને ખેતી કરતા દેવજીભાઈ કેશવજીભાઈ રામાણી (ઉ.વ.42) નામના પટેલ યુવાને એક સપ્તાહથી તાવ આવતો હતો અને તેની સારવાર પણ ચાલુ હતી તે દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યૂં હતું. આ અંગેની ભીખાભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.


