કોરોના વાયરસની મહામારીના પરિણામે રાજ્યની શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધો.10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરીને તેઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે અંગે 2 દિવસ અગાઉ જ સરકારે જાહેર કર્યું હતું કે ધો.10ની માર્કશીટમાં નહી પરંતુ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટમાં માસ પ્રમોશન લખવામાં આવશે. જેનો વિરોધ થતાં સરકારે તાત્કાલિક નિર્ણય બદલ્યો છે. અને હવે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવો શબ્દ લખાશે.
શિક્ષણ વિભાગની કમિટી દ્રારા નક્કી કરવામાં આવેલ સૂચનો મુજબ ધો.10ની માર્કશીટની જગ્યાએ એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનું જણાવ્યું હતું. પરંતુ હવે નવા નિર્ણય મુજબ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યાની તા.31મે દર્શાવવાની રહેશે. અને એલસીમાં હવે માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતાં એવો શબ્દ લખવામાં આવશે. ધો.10ના પરિણામને લઇને કોઈ ઉમેદવારોને અસંતોષ હશે તો તેવા ઉમેદવારો પરીક્ષા સચિવને અરજી કરી શકશે. જે અરજી બોર્ડ દ્રારા શાળાઓમાં મોકલી આપવામાં આવશે. પરંતુ કોઈ વિષયમાં મેળવેલ ગુણની ચકાસણીની જોગવાઈ ધો.10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે વર્ષ 2021ની પરીક્ષા માટે લાગુ નહી પડે.
ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.