મોંઘવારી માટે નિમિતબનેલા ખાદ્યતેલોમાં બેફામ ભાવવધારા પર અંકુશ મુકવા કેન્દ્ર સરકારે વધુ એક પ્રયાસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ચાલુ સપ્તાહમાં જ સ્વદેશી ઉત્પાદકો તથા ખાનગી કંપનીઓ સાથે બેઠક કરવામાં આવશે. ઉપરાંત ઇન્ડોનેશિયા, મલેશિયા તથા આર્જેન્ટીના જેવા નિકાસકાર દેશો સાથે પણ સરકાર સંપર્ક કરશે. કેન્દ્ર સરકારનાં આધારભૂત સુત્રોએ જણાવ્યું છે કે, ખાદ્યતેલોનાં ભાવોને કાબૂમાં રાખવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા, નાગરિક પુરવઠા, વ્યાપાર મંત્રાલયના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજવામાં આવશે.
ઇન્ડોનેશિયા તથા મલેશિયાના વાણિજ્ય મંત્રાલય સાથે સંપર્ક કરવા સૂચના આપવામાં આવશે. બેઠકમાં દેશની તેલલોબી તથા આયાતકારો અને ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવશે. કેન્દ્ર સરકાર હવે એવું માને છે કે ખાદ્યતેલોના ભાવમાં તાત્કાલીક કોઇ મોટો વધારો થાય તેમ નથી. દેશમાં ખાદ્યતેલોની સપ્લાય વધારવા માટે કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. દેશમાં ખાદ્યતેલોનો વાસ્તવિક વપરાશ 2.25 કરોડ ટન છે તેમાંથી 35 થી 40 લાખ ટન માત્ર ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે. ઇન્ડોનેશિયા, મલેશિયા ઉપરાંત અન્ય ખાદ્યતેલ ઉત્પાદક દેશોમાંથી આયાતનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે. રશિયા અને કેનેડામાંથી પણ ખાદ્યતેલ આયાત કરવાની વિચારણા શરુ કરવામાં આવી છે. આ સિવાય લેટીન અમેરિકી દેશોમાંથી પણ આયાતનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકારે નાફેડ, એચએએફઇડી, મધર ડેરી, એનડીડીબી, માર્કફ્રેડ જેવી સરકારી એજન્સીઓ સાથે પણ બેઠક કરી હતી. ખાદ્યતેલોના ભાવોને અંકુશમાં રાખવા માટે તમામ સરકારી વેચાણ કેન્દ્રોને વધુ સેન્ટરો ખોલવા માટેની પણ સૂચના આપી છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે દેશમાં 2.5 કરોડ ટન ખાદ્યતેલોના વપરાશમાંથી માત્ર 90 થી 95 લાખ ટનનું જ સ્વદેશી ઉત્પાદન થાય છે. બાકીનું આયાત કરવામાં આવે છે. ખાદ્યતેલોમાં ભારત આત્મનિર્ભર થઇ શકે તો દોઢ લાખ કરોડ રુપિયાના વિદેશી હુંડીયામણીની બચત થઇ શકે છે.ખાદ્યતેલોના સંગઠન એસઇએના અધિકારી બી.વી. મહેતાએ કહ્યું કે ઇન્ડોનેશિયાએ નિકાસબંધી લાગુ પાડ્યા બાદ કેટલીક છૂટછાટો જાહેર કરી દીધી છે છતાં વિવિધ વિકાસકારો દેશો સાથે આ મામલે રાજદ્વારી મંત્રણા કરવા કેન્દ્ર સરકારને સૂચન કરવામાં આવ્યું છે. આયાતને બ્રેક લાગે તો સપ્લાય ચેઇન દૂર નહીં થઇ શકે. સરકાર સંગ્રહાખોરો પર પણ સતત ધોંસ બોલાવી રહી છે. છેલ્લા એક મહિનામાં ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કેન્દ્રની પુરવઠા ટીમોએ દરોડા પાડ્યા જ હતાં.