વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરંપરાગત અભ્યાસક્રમોથી અલગ પડતો ડિગ્રી કોર્સ નવા શૈક્ષણિક વર્ષથી શરુ કરવામાં આવશે. ડિગ્રી કોર્સને બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ નામ આપવામાં આવ્યુ છે.જે વિદ્યાર્થીઓ ડિફેન્સ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માંગતા હોય તેમના માટે આ કોર્ષ મદદરૂપ થઇ શકશે.
વડોદરાની એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કોમર્સ સહિતની તમામ ફેકલ્ટી માટેના નવા એડમિશન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્તાધીશોએ આ વર્ષે વિદ્યાર્થીઓની કોમર્સ ફેકલ્ટીમાં સંખ્યા વધશે તો પણ પ્રવેશ આપવા માટે યુનિવર્સિટી સક્ષમ છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે કોરોનાકાળમાં 40 હજાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાયો હતો. જો આ વર્ષે 50 હજાર વિદ્યાર્થીઓ પણ એડમિશન માટે આવશે તો તેમને પ્રવેશ આપી શકાશે.
નવા શૈક્ષણિક વર્ષથી શરુ થનાર બીએ ઓનર્સ ઈન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝના ૩ વર્ષના ડિગ્રી કોર્સમાં ૬ સેમેસ્ટરમાં કુલ ૩૬ વિષયો ભણાવવામાં આવશે.આ પૈકીના ૩૨ પેપર રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણને લગતા હશે.તમામ વિષયો વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હશે.આ કોર્સનુ કન્ટેન્ટ તૈયાર કરવા માટે દેશના સંરક્ષણ નિષ્ણાતો પાસે તેમજ આર્ટસ ફેકલ્ટીના અલગ અલગ અધ્યાપકોની મદદ લેવામાં આવી હતી. સેલ્ફ ફાઈનાન્સ ધોરણે શરુ થનારા કોર્સની એક વર્ષની ફી ૨૪૦૦૦ રુપિયા રાખવામાં આવી છે.કોર્સમાં ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને ભણાવશે.છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને ૨૪૦ કલાકની આર્મી ટ્રેનિંગ આપવામાં આવશે. ધો.12 પછી આ કોર્ષ કરી શકાશે.
ગુજરાતના યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે આ કોર્સ ઉપયોગી પૂરવાર થશે.દેશની સુરક્ષા અને સંરક્ષણ નીતિ પરનો આ ગુજરાતનો પહેલો અભ્યાસક્રમ શરુ થવા જઈ રહ્યો છે.