વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ચાફકટર સહાય યોજના અંતર્ગત સુરત અને જૂનાગઢ જિલ્લામાં ચૂકવાયેલા સહાય અને તેના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી. જેમાં સુરત જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો માટે વર્ષ 2022 અંતિત પ5.26 લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ 2022 અંતિત 15.28 લાખ રૂપિયા ચાફકટર સહાય પેટે ચૂકવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.
મંત્રીએ આર્થિક સહાય અંગેની આ યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટુકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
મંત્રીએ યોજનાની સહાયના ધોરણો અંગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને 18 હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ માટે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશન કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલ ચેક જોડવાનો રહે છે.