ગલ્ફ દેશોમાં ચાલી રહેલી તણાવપૂર્ણ અને યુદ્ધ જેવી સ્થિતિની અસર હવે જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. એલપીજી (LPG) ગેસની અછત સર્જાતા અનેક નાના અને મધ્યમ ઉદ્યોગ એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી છે અને કેટલાક એકમોને કામકાજ બંધ કરવાની ફરજ પડી છે.

જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુખ્યત્વે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પર આધારિત છે. હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને ગેસની અછતને કારણે ઉદ્યોગોમાં મંદીનો માહોલ સર્જાયો છે. બ્રાસના વિવિધ ઉત્પાદનો બનાવવા માટે એલપીજી ગેસ મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ એલપીજી ગેસ બાટલાની અછત સર્જાતા ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને નાના ઉદ્યોગ એકમોમાં ગેસના બાટલા ન મળતા મશીનો બંધ પડી ગયા છે અને ઉત્પાદન કામગીરી અટકી ગઈ છે. જેના કારણે અનેક મજૂરોના રોજગાર પર પણ સંકટ ઉભું થયું છે. છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં કોમર્શિયલ એલપીજી ગેસના બાટલા ન મળવાના કારણે અનેક ઉદ્યોગો પર તેની સીધી અસર પડી છે.
આંકડાઓ અનુસાર જામનગરમાં બ્રાસ ઉદ્યોગના અંદાજે 9000થી વધુ એકમો કાર્યરત છે. જેમાંથી અંદાજે 3500 જેટલા એકમો હાલ ગેસની અછતને કારણે પ્રભાવિત થયા હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ગેસ ન મળતા અનેક મશીનો હાલ બંધ પડી છે અને ઉત્પાદન ક્ષમતા પર પણ અસર જોવા મળી રહી છે.
View this post on Instagram
જામનગર GIDC વિસ્તારમાં ઘણા દિવસોથી ગેસની ગંભીર અછત સર્જાઈ છે. જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ પુરવઠો બંધ થતા ઘણા કારખાનાઓમાં ઉત્પાદન અટકી ગયું છે અને કામદારોમાં પણ રોજગાર અંગે ચિંતા ફેલાઈ છે. ઉદ્યોગકારોને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
સરકાર પાસે ઉદ્યોગકારોની માંગ
જામનગર દેશના મહત્વના ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અહીંનો બ્રાસ ઉદ્યોગ દેશ-વિદેશમાં જાણીતા ઉત્પાદનો બનાવે છે અને હજારો લોકોને રોજગાર આપે છે. આવી સ્થિતિમાં ઉદ્યોગકારોએ સરકાર પાસે ગેસ પુરવઠો તાત્કાલિક નિયમિત કરવા માંગ કરી છે, જેથી ઉદ્યોગો ફરી સામાન્ય રીતે શરૂ થઈ શકે અને કામદારોને પણ રાહત મળી શકે.


