ઓખા મંડળના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ગત તા. 1 ઓક્ટોબરથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં તાજેતરમાં રાખવામાં આવેલા બ્રેક બાદ ગઈકાલે ગુરુવારે પુન: વહીવટી તંત્રએ કેટલાક અનધિકૃત દબાણો દૂર કર્યા હતા.
બેટ દ્વારકામાં તાજેતરમાં ઇદના તહેવારોને અનુલક્ષીને ફેરીબોટ શરૂ કરવા સહિતની કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી. આ વચ્ચે ધીમી કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ ગઈકાલ પુન: વેગવંતી બની છે. રેવન્યુ તંત્રને સાથે રાખીને પોલીસ તંત્ર દ્વારા બેટ દ્વારકામાં ગઈકાલે નવ જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક રહેણાંક વિસ્તારનો ભાગ તેમજ વ્યવસાયિક દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી હતી.
જો કે પ્રવાસીઓની સુવિધા માટે ઓખા જેટીથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ચાલુ રાખવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. રેવન્યુ વિભાગના સર્વે બાદ હજુ પણ અનધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી જારી રાખવામાં આવે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રારંભના એક સપ્તાહ દરમિયાન બેટ દ્વારકા વિસ્તારમાં આશરે રૂપિયા સાત કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી બે લાખ ફૂટ જેટલી જગ્યા પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે.
કચ્છના જખૌ બંદર પર છેલ્લા બે દિવસથી જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા તથા રેવન્યુ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં જખૌ બંદરની આસપાસ અનેક ગેરકાયદે દબાણ પર બુલડેઝર ફેરવવામાં આવ્યું છે. જખૌ બંદર તથા આસપાસના વિસ્તારોમાં પણ બેટ દ્વારકાની જેમ હજારો ફૂટના વ્યાપક દબાણો વંડા, દુકાનો અને કોમર્શિયલ બાંધકામ સ્વરૂપે હોય, તંત્ર દ્વારા તેના પર તવાઈ ચલાવવામાં આવી છે અને મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.