ચાલુ ખરીફ સિઝનમાં બિનસત્તાવાર રીતે વેચાતાં જીનેટિકલી મોડિફઈડ કોટન બિયારણનું વિક્રમી વાવેતર થયું હોવાનું બિયારણ કંપનીઓ જણાવે છે. તેમના અંદાજ મુજબ કેલેન્ડર 2018માં 30 લાખ પેકેટ્સની સરખામણીમાં ચાલુ સિઝનમાં આ ગેરકાયદે બિયારણના 60-65 લાખ પેકેટ્સનું વેચાણ જોવા મળ્યું છે. દેશમાં જીનેટિકલી મોડિફઈડ બીટી બિયારણના વેચાણને મંજૂરી આપવામાં આવી તે અગાઉથી ગેરકાયદે બિયારણ અસ્તિત્વમાં છે.
ગુજરાત, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ખેડૂતો આ પ્રકારના બિનસત્તાવાર બિયારણોના ઉત્પાદનમાં સક્રિય હોય છે. તેઓ ગેરકાયદે રીતે આવા બિયારણોનું ઉત્પાદન કરે છે. જે પંજાબ, મહારાષ્ટ્ર સહિતના અગ્રણી કોટન વાવેતર વિસ્તારોમાં રવાના કરવામાં આવે છે. સરકારી નિયમનકારો ક્યારેક રેડ પાડવાની કામગીરી કરે છે. જોકે આમ છતાં ગેરકાયદે બિયારણ બનાવવાની કામગીરી મોટાપાયે ચાલુ છે. અગાઉ બીટી ટેક્નોલોજી પૂરી પાડનાર કંપની દ્વારા રોયલ્ટી પેટે ઊંચા ભાવ વસૂલવાના કારણે પ્રતિ પેકેટ કિંમત ઊંચી રહેતાં ખેડૂતો 50 ટકા કે તેથી નીચા ભાવે મળતાં ગેરકાયદે બિયારણોનું વાવેતર કરવા પ્રેરાતાં હતાં. જોકે પાછળથી બિયારણના ભાવ પર અંકુશ આવતાં આમ કરવાની જરૂરિયાત રહી નહોતી. 2018માં કેન્દ્ર સરકારે ગેરકાયદે બિયારણની સમસ્યાના અભ્યાસ માટે કમિટીનું નિર્માણ કર્યું હતું. જેણે 30-33 લાખ ગેરકાયદે હાઈબ્રીડના વેચાણનો અંદાજ આપ્યો હતો. જોકે ચાલુ સિઝનમાં તે 60-65 લાખ પેકેટ્સ પર પહોંચ્યું છે એમ બિયારણ ઉત્પાદકોનો અંદાજ જણાવે છે. જે છેલ્લા કેટલીક ખરીફ સિઝનમાં સૌથી ઊંચું વેચાણ છે એમ તેમનું કહેવું છે. સામાન્યરીતે દેશમાં કાયદેસર કોટન બિયારણના 5 કરોડ પેકેટ્સનું વેચાણ જોવા મળતું હોય છે. ચાલુ સિઝનમાં વિક્રમી વાવેતરની શક્યતાને જોતાં તેમાં પણ વૃદ્ધિ જોવા મળી શકે છે. ગેરકાયદે બિયારણના વપરાશ પાછળનું કારણ ખેતી માટે મજૂરોની અછત હોવાનું નિષ્ણાંતો જણાવે છે.